ગુજરાતના પ્રાથમિક શિક્ષકોનું સોશિયલ મીડિયા પર ગ્રેડ પે મુદ્દે આંદોલન શરુ થયું છે. જેમાં શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે સરકારે પણ શિક્ષકો સામે ઝૂકવું પડ્યું છે. પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શિક્ષકોનો 4200નો ગ્રેડ પે યથાવત રહેશે. આ પહેલા ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠકો યોજવામાં આવી હતી. આમ છતાં આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્યો નહોતો. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-2010 બાદ ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષે મળવાપાત્ર રૂપિયા 4200ના ગ્રેડ-પેમાં કોઇ જ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વિના જ ગ્રેડ પે રૂપિયા 2800 કરી દેવામા આવ્યો છે. આથી રાજ્યભરના 65000 શિક્ષકોને દર મહિને પગારમાં અંદાજે 10,000નું આર્થિક નુકશાન થઇ રહ્યું છે. શિક્ષકોને થઇ રહેલા અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારે મગનું નામ મરી પાડતા શિક્ષકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો હતો. હાલમાં કોરોનાની મહામારીમાં રેલી કે આંદોલન કરી શકે નહીં તે માટે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પે 4200ની માંગણીને લઇને સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. શિક્ષકોની માંગણીઓને મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.