કેન્દ્ર સરકારે 4 મેથી 17 મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે જેનો અમલ આજથી થશે. લૉકડાઉન 3માં સરકારે દેશનાં તમામ વિસ્તારોનને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામા આવ્યાં છે. જે પ્રમાણે દરેક ઝોનને અલગ છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં પણ કોરોનાના વધતા કેસો અને ઊંચા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને અમદાવાદ,સુરત,વડોદરા,ગાંધીનગર અને ભાવનગરનો બે સપ્તાહ માટે રેડ ઝોનમાં સમાવવામાં આવ્યાં છે. આ સાથે 17 મે સુધી સમગ્ર રાજ્યમાં સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લદાયો છે. તો આપણે જોઇએ કે, કયા ઝોનમાં કેવી છૂટછાટ આપવામાં આવી છે.
રેડ ઝોન
દુધ,કરિયાણું,દવા સહિત આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઇ દુકાનો ખુલશે નહીં.વધારાની કોઇ છુટછાટ આપવામાં આવી નથી. આ ઉપરાંત ગુજરાતમાં છ નગરપાલિકા વિસ્તારો જેવા કે,બોટાદ,બોપલ,ખંભાત,બારેજા,ગોધરા અને ઉમરેઠમાં ય લોકડાઉનનો કડક અને સખતાઇ અમલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. કુલ મળીને છ મહાનગરો ઉપરાંત છ નગરપાલિકા વિસ્તારમાં વધારાની કોઇપણ છુટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં જિલ્લો કોઇ પણ ઝોનમાં આવેલો હોય ત્યાં હજુ આગામી બે સપ્તાહ સુધી પાન, ગુટખા, બીડી-સીગારેટની વેચાણ કરતી દુકાન-લીકર શોપ ચાલુ કરી શકાશે નહીં. માલવાહક સાધનો આખાય રાજ્યમાં અવરજવર કરી શકશે.
કયા જિલ્લો કયા ઝોનમાં આવશે?
રેડ ઝોન
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, આણંદ, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ
ઓરેન્જ ઝોન
રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર,મહિસાગર, મહેસાણા, પાટણ , ખેડા, વલસાડ , દાહોદ, કચ્છ, નવસારી , ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર
ગ્રીન ઝોન
મોરબી, જૂનાગઢ,અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર
ઓરેન્જ ઝોનમાં કેવી છૂટછાટ
ઓરેન્જ ઝોનમાં સમાવેશ થયેલાં જિલ્લાઓમાં હેરકટિંગ સલુન, ચાની કિટલી, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને ખોલવામાં સરકારે લીલીઝંડી આપી દીધી છે. ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ-ગ્લાસનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત ટેક્સી પણ શરુ કરાશે. જોકે,ટેક્સીમાં ડ્રાઇવર ઉપરાંત માત્ર બે જ મુસાફરો બેસી શકશે.
ગ્રીન ઝોન વિસ્તારમાં કેવી છૂટછાટ
ગ્રીન ઝોન વાળા જિલ્લાઓમાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો 30થી વધુ મુસાફર વહન કરતા પકડાશે તો ડ્રાઇવર-કંડક્ટર સામે કડક કાર્યવાહી કરાશે. ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ શરૂ થઇ શકશે. મતલબ કે, મોરબી-જુનાગઢ-અમરેલી-દેવભૂમિ દ્વારકા-પોરબંદરમાં એસટી બસથી અવર-જવર થઇ શકશે.