હાઈકોર્ટે રાજ્યસભામાં અહેમદ પટેલની જીત સામે થયેલી અરજીઓમાંથી એક કાઢી નાંખી
, બુધવાર, 21 માર્ચ 2018 (09:50 IST)
ગુજરાત હાઈકોર્ટે અહેમદ પટેલની જીત સામે થયેલી અરજીમાંથી એક અરજીનો નિકાલ કરતાં કોંગ્રેસની દલીલો ગ્રાહ્ય રાખી રૂલિંગ આપ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર ચૂંટણીપંચને પક્ષકાર બનાવી ન શકે. સાથે સાથે ઈલેક્શન કમિશનરે કરેલા ઓર્ડરની માન્યતાને પડકારી ન શકાય તેમ પણ કહેતા, બળવંતસિંહને જોરદાર ઝાટકો વાગ્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર તેની રજૂઆતમાં આ મુદ્દાને ઉઠાવી શકશે. કોર્ટ તે અંગે ચકાસણી કરશે. રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચ દ્વારા અહેમદ પટેલને વિજયી ઘોષિત કરાતા, બળવંતસિંહ રાજપૂતે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં ઉઠાવી અરજી કરી હતી. જેમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વાપા અહેમદ પટેલની જતીને પડકારતા ઈલેક્શન કમિશન, ઉમેદવાર સહી, ઈલેક્શન રુલ્સ અને સિગ્નેચર સહિતના મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં અરજદાર ઈલેક્શન કમિશનને પાર્ટી બનાવતા એ મુદ્દો ઉઠ્યો હતો કે ઈલેક્શન કમિશનને પાર્ટી બનાવવી કે નહિં. જો કે અગાઉ આ પર દલીલો ચાલી ગઈ હતી. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ ધારાશાસ્ત્રી તરીકે ગુજરાત હાઈકોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. તે સમયે ત્રણ કલાક ચાલેલી આ દલીલોમાં ઈલેક્શન કમિશન સ્વતંત્ર બોડી છે. તેને પાર્ટી કે પક્ષકાર ન બનાવી શકરાય તે મુજબની રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં બીજી તરફ ભાજપના ઉમેદવાર વતી એટવોકેટ નિરુપમ નાણાંવટીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમનું કહેવું હતું કે અમે પહેલેથી જ ઈલેક્શન કમિશનને પક્ષકાર તરીકે જોડી દીધાં છે. જેથી પાછળથી ઈલેક્શન કમિશનમાં કોઈ રજૂઆતનો પ્રશ્ન જ ન રહે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઈલેક્શન કમિશનને પક્ષકાર બનાવવાને મુદ્દે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. 20મી માર્ચે આજે આ કેસનો ચૂકાદો આવી જતાં કોર્ટે કોંગ્રેસના વકીલની દલીલો માન્ય રાખતા રૂલિંગ આપ્યું હતું કે ઈલેક્શન કમિશનને પક્ષકાર બનાવી શકાય નહિં. આ અરજી કાઢી નાંખી હતી. જ્યારે અન્ય મુદ્દાઓ પર સુનાવણી પડતી મુદતે હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કરેલા વલણને પરિણામે અહેમદ પટેલની જીતને પડકારતા બળવંતસિંહ રાજપૂતને મોટો ફટકો પડ્યો છે.
આગળનો લેખ