ગુજરાત સરકારે રાજ્યના આર્થિક રીતે કમજોર એવા 71 લાખ લોકોનો તહેવાર સુધારવાનો નિર્ણય લીધો છે. આજ રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.
રાજ્યના પ્રવક્તામંત્રી જિતુ વાઘાણી દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ સરકાર આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાને રાખીને રાજ્યના 71 લાખ કાર્ડધારકો માટે નિર્ણય કર્યો છે.
શુ લેવાયો નિર્ણય ?
રાજ્યમાં સસ્તું અનાજ મેળવનારા પરિવારોની સંખ્યા 71 લાખ જેટલી છે. આ તમામ 71 લાખ કાર્ડધારકોને સરકાર વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 લિટર સિંગતેલ સસ્તા દરે આપે છે, ત્યારે આગામી તહેવારો દરમિયાન મોંઘા ભાવનું એટલે કે જે સિંગતેલની બજાર કિંમત 200 રૂપિયા આસપાસ છે, એ સિંગતેલ કાર્ડધારકોને માત્ર 100 રૂપિયાની કિંમતે આપશે એ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
સબસીડીમાં વધારો
સરકાર અત્યારસુધી સિંગતેલ 197 રૂપિયે ખરીદે છે, જેમાં 180 રૂપિયા એની ખરીદ કિંમત છે. 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચા મળી કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સિંગતેલની ખરીદી સરકાર કરે છે. સરકાર જરૂરિયાતમંદોને આગામી તહેવારોને અનુલક્ષીને 100 રૂપિયામાં જ એક લિટર સિંગતેલ આપશે એવો નિર્ણય કરાયો છે.