Publish Date: Thu, 19 Feb 2026 (08:19 IST)
Updated Date: Thu, 19 Feb 2026 (08:21 IST)
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા માટે આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે અરજદારે આવકના પુરાવા માટે લાંબી પ્રક્રિયાના બદલે પોતાની આવક અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (સ્વ-ઘોષણા) આપવાનું રહેશે. જોકે, આ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
નવી વ્યવસ્થા હેઠળ હવે પ્રમાણપત્ર પર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ હશે. આ ટેકનોલોજીના ઉપયોગથી પ્રમાણપત્રની સત્યતાની તપાસ સરળતાથી થઈ શકશે અને નકલી દસ્તાવેજોના દુરુપયોગ પર લગામ લગાવી શકાશે.
અરજી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે SSO (સિંગલ સાઇન-ઓન) સિસ્ટમ અમલમાં મૂકાશે. આ પ્લેટફોર્મ દ્વારા નાગરિકો એક જ જગ્યાએથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લઈ શકશે અને વારંવાર વિગતો ભરવાની જરૂર રહેશે નહીં.
અરજદારો હવે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે અને પોતાની અરજી કયા સ્ટેજ પર પહોંચી છે તેનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકશે, જેનાથી સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.