ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતાં પ્રમાણમાં વીજળી મળતી નથી.
જેના કારણે ઉનાળાનું વાવેતર પુરતા પ્રમાણમા નથી થતું. ઉનાળામાં ઘાસચારાનું વાવેતર વધુ થાય છે. પરંતું વીજળી નહીં મળવાથી ખેડૂતોને પાણી મેળવતા મુશ્કેલીઓ થાય છે અને તેના કારણે પાક નહીં થવાથી પશુધનને ઘાસચારો મળતો નથી. સાગર રબારીએ વધુમાં કહ્યું હતું કે, 2003થી વીજળીના સમયમાં ઘટાડો શરૂ થયો છે. હવે 8 કલાકથી 6 કલાક કરી છે અને હજી ઘટાડી શકે છે. ગુજરાતની 56 ટકા વસ્તી આ મુશ્કેલીમાં છે. ગુજરાતમાં જ્યાં સુધી 16 કે 12 કલાક અવિરત પુરવઠો ખેડૂતોને નહિ મળે ત્યાં સુધી તેઓ વીજ બિલ નહિ ભરે. જો કોઈ કંપનીઓ બિલ કાપશે તો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતના ત્યાં જઈ કનેક્શન ફરી જોડી આપશે. અમારા પર જો બળપ્રયોગ કરશે તો નેશનલ હાઇવે ચક્કાજામ થશે. અન્ય રાજ્યોમાં મફત વીજળી છે તો ગુજરાતમાં વીજળી મફત કેમ નહિ. છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે.આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, બે દિવસ પહેલાં વનરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેના પરથી જણાય છે કે નોકરી આપી શકતા નથી પરંતુ હવે પરીક્ષા પણ લઈ શકતા નથી. આજે પેપર મુદ્દે યુવરાજસિંહે પુરાવા આપ્યાં છે.ભાજપની સરકાર કહે છે કે, વિદ્યાર્થીઓ પુરાવા આપે તો શું એજન્સીઓમાં અધિકારીઓ મફતનો પગાર લેવા બેઠા છે.કોઈ પણ ભાજપના પ્રવકતાએ યુવરાજસિંહના સામે જવાબ ન આપવો એવું ફરમાન કર્યું છે. ભાજપ કહે છે પેપર ફૂટ્યું નથી તો આ અગિયારમું પેપર ફૂટ્યું છે. આગામી સમયમાં LRD અને તલાટીનું પેપર લેવાશે તો હવે તાયફા બંધ કરો અને આ પેપર ન ફૂટે તેના પર ધ્યાન આપો.આ બેરોજગારોનું અપમાન છે. ભાજપના મુખ્યમંત્રી અને મંત્રીઓએ જવાબ આપવો જોઈએ કે પેપર ફૂટ્યુ નથી. તમામ જ્ઞાતિના ભાજપના આગેવાનો પેપર ફૂટે તેના માટે ચૂપ કેમ છે.ભાજપ હવે યોગ્ય પગલાં નહીં લે તો આમ આદમી પાર્ટી આંદોલન કરશે. હું જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીને કહ્યું છું કે ચાલો દિલ્હીમાં સ્કૂલો બતાવું. જીતુ વાઘાણીને હું કહું છું કે તમે કહો તો મનિષ સિસોદિયાને ગામડામાં લઈને આવું. ગુજરાતમાં 500 સ્કૂલો એવી છે જ્યાં સારા ઓરડા નથી.