ગુજરાતમાં DGP-ચીફ સેક્રેટરી સહિત કુલ 167 આઇપીએસ પૈકી 14 યુપીના અને 18 બિહારના છે
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:00 IST)
ગુજરાતમાં નોકરી-વ્યવસાય કરતા યુપી અને બિહારના લોકો પર બેરહમીપૂર્વક હુમલા થઇ રહ્યા છે ત્યારે પરપ્રાંતના ઓઠા હેઠળ ભડકેલી હિંસાએ કાયદો-વ્યવસ્થા પડી ભાગી હોય તેવી સ્થિતિ સર્જી દીધી છે. આઘાતજનક બાબતએ છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો અંકુશ જેમના હાથમાં છે તે ટોચના આઇએએસ-આઇપીએસ અધિકારીઓમાં 40 ટકા યુપી-બિહારના છે. વળી, ડીજીપી, પોલીસ કમિશનર સહિતના આઇપીએસ ઉપરાંત મુખ્ય સચિવ,ગૃહસચિવ સહિતના આઇએએસ યુપી-બિહારના હોવાછતા હુમલાઓની ઘટનાઓએ ‘વતનવાસીઓ’નું ગુજરાતમાં રહેવું પીડાજનક બનાવી દીધું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા બિહારના છે, રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ બિહારના છે, ગૃહ સચિવ એ.કે.તિવારી યુપીના છે. એકંદરે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળતા 20 ટકા આઇએએસ, 20 ટકા આઇપીએસ મળીને કુલ 40 ટકા આઇએએસ-આઇપીએસ યુપી-બિહારના છે. આઇએએસની વાત કરીએ તો, સરકારી ચોપડે બોલતા દિલ્હી ડેપ્યુટેશન સહિત 243 આઇએએસ છે, આ પૈકી 48 આઇએએસ યુપી,બિહારના છે. જેમાં છ પ્રિન્સિપાલ સેક્રેટરી, ચાર એડિશન ચીફ સેક્રેટરી, અને ત્રણ સેક્રેટરીનો સમાવેશ થાય છે, બાકીના આઇએએસ કલેક્ટર, ડિરેક્ટર, સીઇઓ સહિતના વિવિધ હોદ્દાઓ ધરાવે છે. જ્યારે આઇપીએસની વાત કરીએ તો, કુલ 167 આઇપીએસ પૈકી 14 યુપીના અને 18 બિહારના છે. આઇપીએસ અધિકારીઓમાં પોલીસ કમિશનર, ડીએસપી સહિતના વિવિધ મહત્વના હોદ્દાઓ પર જવાબદારી સંભાળે છે. આમછતાં તેમના વતનવાસીઓનું ગુજરાતમાં સલામત રહેવું મુશ્કેલ બનાવી દીધું છે.
આગળનો લેખ