દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ગુજરાતમાં દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા છે. નાયબ મુખ્યમંત્રીને શરદી થતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલ કોરોનાની શરૂઆતથી જ અનેક હોસ્પિટલોમાં મુલાકાત લેતા હતા.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વીટ કરી લખ્યું હતું કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હોવાથી રાજ્યના નાયબ મુખ્યમંતી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમની સાથે સતત હતા. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ઘણા નેતાઓ અને ડોક્ટરો અને અધિકારીઓ સંપર્ક આવ્યા હોવાથી ચિંતા વધી જવા પામી છે.