ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ગૃહમાં નલિયાકાંડ મામલે કોંગ્રેસ હોબાળો કર્યો હતો. પ્રથમ દિવસે ગવર્નર ઓ.પી.કોહલીના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘બળાત્કારી જનતા પાર્ટી, ભાજપથી બેટી બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા હતા અને કાગળો ફેંક્યા હતા. કોંગ્રેસના ઉગ્ર વિરોધને લીધે રાજ્યપાલે માત્ર છ મિનિટમાં જ પ્રવચન ટૂંકાવ્યું હતું. બીજીબાજુ વિધાનસભાની બહાર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. કૉંગ્રેસના તમામ સભ્યો કાળા કપડાં પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. બીજીબાજુ રાજ્યમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણીઓ પૂર્વેનું આ છેલ્લું લાંબું સત્ર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ભાજપ સરકારની કસોટીરૂપ બની રહેશે, તો બીજી તરફ અઢી દાયકાથી સત્તાવિમુખ વિરોધ પક્ષ કોંગ્રેસ માટે આવનારી ચૂંટણીઓ મરણિયો જંગ હોઈ તેના સભ્યો સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવાની એકેય તક છોડશે નહીં. કોંગ્રેસના તમામ સભ્યો તેમના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાની રાહબરી હેઠળ ગૃહમાં કાળા કપડાં પહેરી પહોંચશે અને રાજ્યપાલને તેમના પ્રવચનમાં ગુજરાતની ગરિમાને લાંછનરૂપ નલિયા સેક્સ કાંડને વખોડી કાઢતો ઉલ્લેખ કરવા દેખાવો યોજશે. કોંગ્રેસે તેના વિધાનસભા પક્ષની બેઠક આજે સવારે વિધાનસંકુલ ખાતે બોલાવી હતી, જેમાં નલિયાકાંડ સંદર્ભે ગૃહમાં પ્રસ્તાવ લાવવા સંબંધે પક્ષની રણનીતિ નક્કી કરી તેમ પણ જણાવાયું. કાયદો-વ્વયસ્થાની કથળતી સ્થિતિ, દલિતો-આદિવાસીઓ તરફ ઓરમાયું વર્તન, વિકાસ કાર્યા પાર પાડવામાં સરકારની નિષ્ફળતા જેવા વિવિધ મુદ્દાઓ સંદર્ભે પણ કોંગ્રેસે અંદરોદર ઐક્ય જાળવી સરકારને ભીંસમાં લેવાનું નક્કી કર્યું છે. દરમ્યાનમાં ગાંધીનગર ખાતે ચુસ્ત આયોજન કરાયુ છે.