યુપીના પરિણામો બાદ ગુજરાત ભાજપ અતિઉત્સાહિત બન્યું છે. અત્યાર સુધી પ્રજાઆક્રોશનો સામનો કરી રહેલું ભાજપ હવે વિધાનસભાની ચૂંટણી લડવા બેતાબ બન્યું છે.જોક, આ વખતે ભાજપના ૫૦ ટકાથી વધુ વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાઇ જશે. જયારે ઘણાં વયોવૃધ્ધ ધારાસભ્યોને ઘેર બેસવાનો આદેશ કરાશે . પ્રજા આક્રોશને જોતાં સ્વચ્છ છબી ધરાવતાં યુવાનોને ભાજપ આ વખતે ધારાસભ્ય બનવાની તક આપશે.
ગુજરાત ભાજપમાં ય અંદરોઅંદરનો જૂથવાદ હાલમાં ચરમસિમાએ પહોંચ્યો છે. અત્યારથી ટિકિટ મેળવવા લોબિંગ શરૃ થયું છે. હાલના વર્તમાન ધારાસભ્યોમાંથી મોટાભાગની છબી એવી ઉભરી છેકે, તેઓ પ્રજાપ્રિય બની શક્યાં નથી પરિણામે ભાજપ પ્રત્યેનો પ્રજાઆક્રોશ વધી રહ્યો છે. આ કારણોસર વર્તમાન ધારાસભ્યોની કામગીરીનું મૂલ્યાકંન કરવા ભાજપે નક્કી કર્યું છે તે આધારે ટિકિટ ફાળવણી કરાશે. આજે ઘણાં ધારાસભ્યો સામે સ્થાનિક કાર્યકર્તાઓનો વિરોધ ઉઠયો છે જેમ કે, એલિસબ્રિજમાં રાકેશ શાહનુ પત્તુ કપાવાવની તૈયારીમાં છે તેમના સ્થાને હરેન પંડયાની પત્નિ જાગૃતિ પંડયા અથવા પૂર્વ અમિત શાહને મેદાને ઉતારવા ભાજપની ગણતરી છે. વેજલપુરમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ સામે પણ પક્ષની નારાજગી છે જેથી આ મતવિસ્તારમાં અમિત ઠાકર, ભરત પંડયા અથવા હિતેશ બારોટની પસંદગી થવાની વકી છે .બાપુનગરમાં ધારાસભ્ય જગરૃપસિંહ રાજપૂત સામે પણ કાર્યકર્તાઓની નારાજગી વધી છે જેથી અહીં પણ પ્રકાશ ગુર્જરને ટિકિટ આપવા ભાજપે મન બનાવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા , ઉંઝાના ધારાસભ્ય નારણ લલ્લુ, સુરતના નરોત્તમ પટેલ સહિતના ઘણાં વયોવૃધ્ધ ધારાસભ્યોને તો અત્યારથી રાજકારણમાં નિવૃતિ લેવા સૂચના અપાઇ ચૂકી છે. અસારવામાં પણ ધારાસભ્ય આર.એમ.પટેલનો ભારે વિરોધ થઇ રહ્યો છે જેના પગલે તેમનું પણ પતુ કપાવવાની વકી છે. વલ્લભ કાકડિયાને સ્થાને ગોરધન ઝડફિયા, બાબુ ઝડફિયા અથવા મનુ કથરોટિયાને ઠક્કરનગરની ટિકિટ મળી શકે છે. દરિયાપુર-શાહપુરમાં ભરત બારોટ ઉપરાંત કૌશિક જૈન અને પ્રવિણ પટેલ મુખ્ય દાવેદારો ગણાય છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વટવામાં , ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ નિકોલ અને હસમુખ પટેલ અમરાઇવાડીમાંથી રિપિટ થઇ શકે છે. નરોડામાંથી પણ ડૉ.નિર્મલા વાઘવાણી રિપિટ થઇ શકે છે. આમ, ભાજપે પણ અત્યારથી મજબૂત-સ્વચ્છ છાપ ધરાવતાં મૂરતિયાઓની શોધખોળ આદરી છે