દિલ્હીની જવાહર લાલ નહેરૂ યૂનિવર્સિટીમાં થયેલી હિંસાની આગ હવે દેશના અન્ય શહેરોમાં પણ પહોંચી રહી છે. મંગળવારે અમદાવાદમાં ABVP અને NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. અહીં એબીવીપીની ઓફિસ પાસે બંને જૂથના કાર્યકારો સામે આવી ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર પથ્થરમારો અને લાઠીમારો ચાલ્યો હતો. આ દરમિયાન ઘણા લોક્ને ઇજા પહોંચી હતી.
અમદાવાદમાં ABVP ની બહાર JNU હિંસાને લઇને વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યું હતું. ત્યારે ત્યાં NSUI અને ABVP ના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી.
મળતી માહિતી અનુસાર ABVPના કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો.
ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે.
દેશના ઘણા ભાગોમાં થઇ રહ્યું છે પ્રદર્શન
પાંચ જાન્યુઆરીના રોજ JNU માં થયેલી હિંસા બાદ દેશની ઘણી યુનિવર્સિટીમાં પ્રદર્શન થઇ રહ્યું છે. સોમવારે જાદવપુર યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. બંગાળમાં થયેલા આ પ્રદર્શનમાં જાદવપુર યૂનિવર્સિટીના વિદ્યાર્થી અને પોલીસ આમને-સામને આવી ગઇ હતી.
જાદવપુર યૂનિવર્સિટી ઉપરાંત મુંબઇના ગેટવે ઓફ ઇન્ડીયા પર પણ સોમવારે JNU હિંસા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઘણી બોલીવુડ હસ્તીઓ પણ જોડાઇ હતી. જેમાં અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, તાપસી પન્નૂ જેવા મોટા નામ સામેલ છે. જોકે આ દરમિયાન પ્રદર્શનમાં 'FREE KASHMIR' ના પોસ્ટર જોવા મળ્યા હતા. જેને લીધે બબાલ થઇ રહી હતી આ અંગે મુંબઇ પોલીસ કેસની તપાસ કરી રહી છે