સુરત શહેરના કામરેજના પાસોદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા વીસ વર્ષની ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનીલ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ છે. ગુરુવારે કોર્ટની કાર્યવાહી બાદ હવે આજે ચાર્જફ્રેમ થશે. ફેનિલની સામે ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ હવે સુરત સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ફેનિલની સામે 80 જેટલા દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. ફેનિલને વીડિયો કોન્ફરન્સથી ચાર્જફ્રેમની કાર્યવાહી માટે આવતીકાલે સવારે સુરત કોર્ટમાં હાજર કરાશે.
આ કેસની સુનાવણી દરરોજ કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પરવાનગી આપી હતી. આ ઉપરાંત કેસની સુનાવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ નહીં બને તે માટે કોર્ટ રૂમ અને કોર્ટ કેમ્પસમાં બંદોબસ્ત વધારવા માટે સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિમલ કે. વ્યાસે સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ એસપી બી.કે. વનારને પત્ર લખ્યો હોવાની વિગતો મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પાસોદરામાં સાંજે ફેનિલે મોટી સંખ્યામાં લોકો વચ્ચે ગ્રીષ્માને પકડી લીધી હતી અને તેણીના ગળા પર છરીના ઘા મારીને હત્યા કરી હતી. એટલું જ નહીં તેના ભાઈ અને કાકા પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ કેસ કઠોર કોર્ટમાંથી સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સુરતમાં કેસની સુનાવણીની તૈયારી દરમિયાન ગુરુવારે એફએસએલ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફેનિલનો કેસ ડે ટુ ડે સેશન્સ જજ વિમલ વ્યાસની કોર્ટમાં ચાલશે.
ઉલ્લેખનીય છે કે ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ દ્વારા દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર શહેરમાં મહિલાઓની સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. આ ઘટના બાદ રાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું. ગ્રીષ્માના પરિવારજનોને મળવા ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓ સહિત અનેક મોટા નેતાઓ પણ પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા પોલીસે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.