હાલ રાજ્યમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોવિડના કેસ સામે આવ્યાં છે. ઉપરાંત એમિક્રોન વેરિઅન્ટ ધરાવતાં કોવિડના કેસની સંખ્યા વધી છે. તેથી હવે સરકાર જે શાળાઓ ફરજિયાતપણે વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવતી હશે તેના મેનેજમેન્ટ વિરુદ્ધ ધોંસ બોલાવશે. આવી શાળાઓ વિરુદ્ધ કાયદેસરના કડક પગલાં પણ લેવાશે.રાજ્યમાં કોરોના અને ખાસ તો ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાની સ્થિતિ ચિંતાજનક બનશે, તો સરકાર ઓફલાઇન શિક્ષણ બંધ પણ કરાવી શકે છે. હવે સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનું રેન્ડમ કોવિડ ટેસ્ટિંગ કરવાનું નક્કી કર્યું છે. દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને તેના કડક અમલીકરણ માટે તાકીદ કરાશે. જેને લઇને શાળાઓમાં શરદી-ખાંસી કે તાવ ધરાવતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના કોવિડ ટેસ્ટિંગ કરાવાશે અને તે ઉપરાંત સ્વસ્થ વ્યક્તિઓનું પણ ટેસ્ટિંગ કરાવાશે. કોરોનાને લઇને શિક્ષણ વિભાગે શાળાઓ માટે એસઓપી બનાવી છે તેનું કડકપણે પાલન કરાવાશે.રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે શહેરી વિસ્તારની સરકારી શાળાઓમાં જે-તે શહેરની મહાનગર પાલિકાનો આરોગ્ય સ્ટાફ કોરોનાના ટેસ્ટિંગ માટે જશે અને મફત ટેસ્ટ કરશે. પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર પાસે કે પાલિકા પાસે પૂરતા પ્રમાણમાં આરોગ્ય સ્ટાફ ન હોવાથી ખાનગી શાળાઓમાં ટેસ્ટિંગ કરાવવું મુશ્કેલ છે, તેથી ત્યાં ખાનગી લેબોરેટરી દ્વારા વિદ્યાર્થીના વાલી કે શાળાએ આ ટેસ્ટિંગનો ખર્ચ ઉઠાવવો પડશે. આ ઉપરાંત રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે અગાઉ કોરોનાના કેસ નિયંત્રણમાં હતાં ત્યારે શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હાલ કેસ વધી રહ્યા હોવાથી જે-તે શાળાએ વિદ્યાર્થીના માતાપિતા કે વાલી પાસેથી ફરીથી બાંહેધરી લેવાની રહેશે કે તેમના પાલ્ય ઓફલાઇન શિક્ષણ માટે આવે તે માટે તેઓ સંમત છે.