બાળકી કોઈ અજાણી માની કોખે જન્મી અને પછી તરછોડી દેવાઈ. વાત આટલે અટકી ન હતી. તેને જિંદગીના માત્ર ચારેક દિવસ જીવવા મળ્યું એ પણ એકલું. ના માતા સાથે હતી કે પિતા. એકલી અટુલી નવજાત બાળકી હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ લડી રહી હતી. જો કે, આ લડાઈ પણ બહુ લાંબી ન ચાલી અને મોત સામે હારી ગઈ. જન્મના ગણતરીના દિવસો અને હોલ્પિટલમાં દાખલ થયાના ચાર દિવસમાં જ મોતને ભેટી. આ દરમિયાન તેની સાથે કોઈ ન હતું. જિંદગી જીવવાની લડાઈ એકલી લડી અને આખરે મોત સામે હારીને અંતિમ શ્વાસ લીધા.
રાજકોટ શહેરની એક હોસ્પિટલમાં મધર્સ-ડેના રોજ જ એક નવજાત બાળકીને કોઈ અજાણી વ્યક્તિ પારણાંમાં પોઢાડીને ફરાર થઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં હજુ કોઈ મહિલાએ એ નવજાત શિશુ તેનું હોવાનો ક્લેમ કર્યો નથી. તેવામાં કોઈ અજાણી માતા દ્વારા તરછોડાયેલી એ બાળકી આખરે આ ફાની દુનિયાને છોડી ગઈ છે. જોકે, કરમની કઠણાઈ એ છે કે આ નવજાતને અંતિમવિધિ કોણ કરશે તે સવાલ ઉઠ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ હોસ્પિટલ કે કોઈ સામાજીક સંસ્થા તેને અંતિમ વિદાય આપશે તેને લઈને હવે અવઢવ વ્યાપી ગઈ છે.હોસ્પિટલના ફરજ પરના કર્મચારી રાજનાબેને જણાવ્યું હતું કે, શનિવારની રાત્રીના 11:00 કલાકે એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી અને તે સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં આવ્યો હતો. જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ ફરાર થઇ ગયો હતો. જે બાદ તબીબોના ધ્યાને આ વાત આવી હતી. જોકે, આ સમયે પોતે ફરજ પર હાજર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.રાજકોટ શહેરની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ-ડેનાં દિવસે એક બાળકીને અનામી પારણામાં કોઈ વ્યક્તિ છોડી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ચાર દિવસથી નિષ્ઠુર જનેતાની શોધ હાથ ધરી હતી. પરંતુ પોલીસ પાસે સીસીટીવી હોવા છતાં કોઈ મહત્વની કડી હજુ મળી નથી.