ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે. જે પાછળનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું નથી. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. આજે પરીક્ષા રદ કરવા અંગે ઉમેદવારો ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે રજૂવાત કરવા ગયા છે. ઉમેદવારોને હાલ અધિકારીઓ પાસેથી કોઇ સંતોષકારક જવાબ ન મળતા તેમણે ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે, બે દિવસમાં નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઉમેદવારોનાં હોબાળાનાં પગલે પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તેમને ઓફિસની બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ અંગે તમામ ઉમેદવારોનો એક જ રોષ છે. તેમણે વેબદુનિયા ગુજરાતીની ટીમ સાથે વાત કરતાં જણાવ્યું કે, 'અમને અધિકારીઓ આ પરીક્ષા રદ કેમ કરી તેનું કારણ આપે અને બીજું આની નવી તારીખ આપે. જો આટલું પણ તેમનાથી નહીં થાય તો અમે ઉગ્રમાર્ગે આંદોલન કરીશું.' અન્ય એક ઉમેદવારે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, ' હું મિકેનિકલ એન્જિનીયર છું, બે વર્ષથી આ માટે તૈયારી કરૂં છું. અમારા માબાપ આ પરીક્ષાનાં રૂપિયા ભરે છે. કેવી રીતે ભરે છે તે અમને જ ખબર હોય છે. અને તેમાં પણ અચાનક પરીક્ષાઓ રદ થઇ જાય છે. તો અમે અહીં એટલી જ રજૂવાત કરવા આવ્યાં છે કે અમારી પરીક્ષા કેમ રદ કરવામાં આવી અને નવી તારીખ આપો.'પરીક્ષા રદ થયા પછી જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન, અસિત વોરાને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ આની જાણ ન હતી. તેમની સાથે અમે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 'સરકારનાં આદેશ પ્રમાણે અમને સૂચના મળી હતી તેથી અમે આ પરીક્ષા રદ કરી હતી. સરકાર ફરીથી જ્યારે સૂચના આપશે ત્યારે ઉમેદવારોને પરીક્ષાની તારીખ જાણ કરીશું. સરકાર સંવેદનશીલ છે તેથી આ પરીક્ષા રદ કરવા પાછળ પણ કોઇ નક્કર કારણ હશે.'