'ખાવા-પીવાના પૈસા નથી. ગાડીઓ ખાલી થઈ રહી નથી. અહીં પાંચ રૂપિયાની ચા 10 રૂપિયામાં મળે છે. 50થી 60 રૂપિયાનો કિલો લોટ વેચાય છે.'
'પાણીની બૉટલ પણ 30 રૂપિયે મળે છે. કોઈ સુવિધા નથી, અમને માલિક દિવસ પ્રમાણે ચોક્કસ પૈસા આપી મોકલે, હવે અમારે ગુજારો કેવી રીતે કરવો?'
કંડલા પૉર્ટની બહાર હજારો ટ્રકો અટવાઈ છે અને ટ્રકના ડ્રાઈવરો આ વ્યથા જણાવી રહ્યા છે.
ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતના કંડલા બંદર પર ઘઉં ભરેલી ટ્રકોની કતારો લાગી છે. ઉપરાંત ઘઉં ભરેલાં ચાર જહાજને રોકી દેવામાં આવ્યાં હતાં. જ્યારે હજારો ટન ઘઉં કંડલા પોર્ટ, ગાંધીધામ અને કંડલાના ગોડાઉન્સમાં પડ્યા છે.
ચાર જહાજમાંથી એક જહાજને મંગળવાર સવારે ઇજિપ્ત જવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે એવું અધિકારીઓએ જણાવ્યું છે.
જોકે ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવાના આદેશમાં છૂટછાટની જાહેરાત કરી છે.
સરકારે નિર્ણય લીધો છે કે 13 મે અથવા તેનાથી પહેલાં જ્યાં પણ ઘઉંનો જથ્થો કસ્ટમ વિભાગને તપાસ માટે સોંપવામાં આવ્યો હોય અથવા તો તેમની સિસ્ટમમાં નોંધ હોય ત્યાં એ ઘઉંના જથ્થાને નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે.
હાલમાં ભારત સરકારે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત દુનિયામાં ઘઉંનું ઉત્પાદનમાં બીજા નંબર પર છે. યુક્રેન દુનિયામાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે પરંતુ રશિયાના હુમલા બાદ યુક્રેનથી થતી ઘઉંની નિકાસ પ્રભાવિત થઈ છે.
એવામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકારના નિર્ણય સામે જી-7ના દેશોએ પણ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ઘઉંની કિંમતમાં છ ટકાનો વધારો નોંધાયો હતો.
ઘઉંની નિકાસ પર મૂકેલા પ્રતિબંધના કારણે માત્ર દુનિયામાં જ ચહલપહલ નથી મચી, પરંતુ ગુજરાતના કંડલા પૉર્ટ પર પણ ભારે અજંપાની સ્થિતિ છે.
સ્થાનિક પત્રકાર ગોવિંદભાઈ મહેશ્વરીના કહેવા પ્રમાણે કંડલા પૉર્ટની બહાર ઘઉં ભરેલી આશરે ત્રણથી ચાર હજાર ટ્રક પડેલી છે, ત્રણ જહાજો હજુ સુધી પૉર્ટ પર જ છે. જેમાં ઘઉં ભરવામાં આવ્યા છે. જ્યારે ટ્રેનના 16 રૅક પણ આવીને પડ્યા છે.
'ખાવા-પીવાનું નથી, પાંચની ચા દસમાં મળે છે'
કંડલા પૉર્ટ પર ઘઉં ઉતારવા માટે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબથી આવેલા હજારો ડ્રાઇવર પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.
એક ડ્રાઇવરે જણાવ્યું, ''અમે મધ્યપ્રદેશના છિંદવાડાથી ઘઉં લઈને આવ્યા છીએ. 11 તારીખના આવ્યા છીએ અને હજી રાહ જોઈ રહ્યા છીએ.''
''અહીં પાંચ રૂપિયાની ચા 10 રૂપિયામાં મળે છે. 50થી 60 રૂપિયાનો કિલો લોટ વેચાય છે. પાણીની બૉટલ પણ 30 રૂપિયે મળે છે.''
''કોઈ સુવિધા નથી અમને માલિક દિવસ પ્રમાણે ચોક્કસ પૈસા આપી મોકલે, હવે અમારે ગુજારો કેવી રીતે કરવો?'
મધ્ય પ્રદેશના અશોક નામના ડ્રાઇવરે કહ્યું, ''ખાવા-પીવાના પૈસા નથી. ગાડીઓ ખાલી થઈ રહી નથી. હપ્તા નીકળશે નહીં, ફાયનાન્સવાળા પરેશાન કરે છે. કોઈ સાંભળવાવાળું નથી કે નંબર આવશે ત્યારે આવશે.''
સંતરામપુર ટ્રાન્સપૉર્ટ ઍસૉસિયેશનના મીડિયા ઇન્ચાર્જ દશરથસિંહ ઘાળુએ કહ્યું, "સરકાર દ્વારા પહેલાં આયોજન વિના નિકાસ કરવામાં આવતી હતી. બાર-બાર દિવસ સુધી પહેલાં ટ્રકો બહાર પડી રહેતી હતી. હવે કોઈ આયોજન વિના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ટ્રાન્સપૉર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો હેરાન થઈ રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગ મંદીમાં છે ત્યારે આ રીતે ગાડીઓ પડી રહે તે ટ્રાન્સપૉર્ટની વ્યવસાય પર ભારે અસર પડશે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય ઉતાવળે લેવાયેલો છે."
'સાડા ત્રણથી ચાર હજાર ટ્રક બહાર છે'
ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ તેજાભાઈ કાંગડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "સરકાર દ્વારા 13 તારીખે ઘઉંની નિકાસ પર પ્રતિબંધનું નોટિફિકેશન જાહેર કરાયું હતું, બાદમાં ત્રણ દિવસ કસ્ટમની રજા હતા. તેમણે પ્રતિબંધના સરકારી નોટિફિકેશન બાદ ઘઉંની નિકાસ અટકાવી દીધી છે. જેના કારણે 3500થી 4000 ઘઉં ભરેલી ટ્રક કંડલા પૉર્ટની બહાર પડી છે. જ્યારે ગાંધીધામ, કંડલા અને આસપાસના તાલુકાઓના ગોડાઉનમાં લાખો ટન માલ પડ્યો છે."
તેમણે વધુમાં કહ્યું, "કંડલાના દીનદયાળ પૉર્ટ અને ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા ગઈ કાલ રાતથી ટ્રક ડાઇવરો માટે ભોજન, ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે."
તેજાભાઈ કાંગડે પ્રતિબંધની વ્યવસાયો પર અસર થવા અંગે કહ્યું, "સરકારના પ્રતિબંધના કારણે નિકાસકારો, શિપિંગવાળાઓ, વેપારીઓ, માલિકોનું નુકસાન થવાનો ભય છે. જો સરકાર અહીં પડેલા ઘઉંની નિકાસ ના કરવા દે તો માલિકોને નવા વિકલ્પો શોધવા પડશે અન મોટી તકલીફ થશે."
ઇન્ડિયન એક્સપ્રેસ અધિકારીઓને ટાંકીને લખે છે કે 4 લાખ મેટ્રિક ટન ઘઉં પૉર્ટની બહાર હાલ પડેલા છે તે ખાલી મધ્ય પ્રદેશના વેપારીઓના છે.
જે કાર્ગોને રોકી રાખવામાં આવ્યું હતું તે કાર્ગો 60 હજાર મેટ્રિક ટન ઘઉં ઇજિપ્ત લઈને જવાનું હતું.
'આવતી કાલ સુધીમાં સમસ્યાનું સમાધાન આવશે'
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પબ્લિક રિલેશન ઑફિસર ઓમ પ્રકાશ દાદલાનીએ બીબીસીને જણાવ્યું કે, "હાલ અમારી ચાર વેસલ જે પૉર્ટ પર છે તેમાંથી એક વેસલને જવાની ડિરેક્ટર ઑફ ફોરેન ટ્રેડ દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે. બાકીનાં જહાજની પરમિશન માટે કાર્યવાહી ચાલી રહી છે."
તેમણે વધુમાં કહ્યું, "કંડલા પૉર્ટ 800 એકરમાં ફેલાયેલું છે, કોઈ ટ્રક રોડ પર નથી, તમામ ટ્રક અમારી પ્રીમાઇસિસમાં છે. બીજા ત્રણ વેસલને પરવાનગી મળે તે માટે અમારા ચૅરમૅન અને ડેપ્યુટી ચૅરમૅન કામ કરી રહ્યા છે."
ઇજિપ્ત જઈ રહેલા જહાજમાં 44,340 મેટ્રિક ટન ઘઉં ભરવામાં આવ્યા હતા, જ્યારે 17,160 મેટ્રિક ટન ઘઉં ભરવાના બાકી હતા. જોકે ડિરેક્ટરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા તેને કુલ 61,500 મેટ્રિક ટન અનાજ ભરીને ઇજિપ્ત રવાના થવા માટે પરવાનગી આપવામાં આવી છે.
ઓમ પ્રકાશ દાદલાનીએ આશા વ્યક્ત કરી હતી કે બુધવાર સુધીમાં આ સમસ્યાનું સમાધાન આવી જશે. ટ્રકના ડ્રાઇવરો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભારતે ઘઉંની નિકાસ પર લાગેલા પ્રતિબંધમાં છૂટછાટની કરી જાહેરાત
ઇજિપ્ત જનારા ઘઉંના જથ્થાને પણ સરકારે અનુમતિ આપી છે, જેને કંડલા બંદર પર લોડ કરવામાં આવી રહી હતી. ઇજિપ્ત જનાર 61,500 મૅટ્રિક ટન ઘઉંમાંથી 17 હજાર મૅટ્રિક ટન ઘઉંનું લોડિંગ બાકી હતું.
ઇજિપ્ત સરકારના અનુરોધ પર ભારત સરકારે તમામ 61,500 મૅટ્રિક ટન ઘઉંના જથ્થાને મંજૂરી આપી છે.
ભારત સરકારે શુક્રવારે મોડી સાંજે ભારત અને પાડોશી દેશોમાં ફૂડ સિક્યૉરિટીને ટાંકીને ઘઉંના નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.
ભારતે 13 મેથી તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના ઘઉંની નિકાસને 'ફ્રી'થી 'પ્રોહિબિટેડ' શ્રેણીમાં રાખ્યા હતા.
આ વર્ષે સરકારની ઘઉંની ખરીદી 15 વર્ષમાં સૌથી ઓછી છે. આ વર્ષે સરકારે અત્યાર સુધી માત્ર 1.8 કરોડ મૅટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. જ્યારે વર્ષ 2021-22માં 4.3 કરોડ મૅટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ હતી.