કુદરત જાણે ગુજરાત પર રૂઠી હોય એમ ગુજરાતની પ્રજા પર એક પછી સંકટો આવી રહ્યા છે. થોડા સમય પહેલાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડનું આક્રમણ થયું હતું. તાજેતરમાં કોવિડ 19 વાયરસે ગુજરાતમાં માઝા મુકી છે ત્યારે ગઇકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવનાર તારીખ 29 એપ્રિલ સુધીમાં વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
રવિવારે ભર ઉનાળે જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જામકંડોરણમાં વીજળી પડતાં એકનું મોત થયું જ્યારે કાલાવડમાં પણ વીજળી પડતાં એકનું મોત અને બે ગંભીર રીતે દાઝ્યા છે. ખાંભા અને ગીર પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત આ ગામડાઓમાં ચકરાવા, ભાણીયા, ગીદરડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
રવિવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં જામકંડોરણા અને કાલાવડ તુલાકમાં તોફાની કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે જામકંડોરણાના કાનાવડાળા ગામે આવેલ વાડી વિસ્તારમાં વીજળી પડતાં બે લોકનાં મોત થયા હતા. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગીરગઢડાના ધોડકવા નજીક આવેલા ગીરજંગલમાં તુલસીશ્યામ મંદરિની આજુબાજુમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક તેમજ જામકંડોરણાં વિસ્તારમાં રવિવારના રોજ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગોંડલ તાલુકાના કોલીથડ અને લુણીવાવ ગામે વરસાદ સાથે કરા પણ પડયા હતા. તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ વરસાદ ખાબકતા ખેડૂતોની ખુલ્લામાં રાખવામાં આવેલી વિવધ જણસ પલળી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પડેલા વરસાદના કારણે ઘઉં, મગફળી તેમજ ધાણાની જણસ પલળી ગયાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના બે જેટલા તાલુકાઓમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. કારણ કે આગામી દિવસોમાં જો હજુ વધુ કમોસમી વરસાદ થાય તો ખેડૂતોનો પાક બળી જવાની પણ ભીતિ સેવાઇ રહેલી છે.