કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાતો નરેન્દ્ર મોદી તેમજ ભાજપ કરે છે પરંતુ કાશ્મીર તેમજ છત્તીસગઢમાં થતા વારંવાર હુમલાઓ એ દર્શાવે છે કે ભારતને કોંગ્રેસ મુક્ત નહી પરંતુ આતંક મુક્ત બનાવવાની જરૃર છે તેમ આજે કોંગ્રેસના સીનીયર નેતા એહમદ પટેલે જણાવ્યુ હતું.
દેડિયાપાડા ખાતે આદિવાસીઓની જનસભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે મારા રાજકિય જીવનમાં આટલી મોટી જનસંખ્યા ક્યારે જોઇ નથી આજનો દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ, વિશ્વ શ્રમિક દિન અને સાથે સાથે ઇન્દિરાજીની જન્મશતાબ્દિનું વર્ષ પણ છે. આજનો આ દિવસ સંકલ્પ માટેનો છે ભાજપની સરકાર ૨૦ વર્ષની છે અને વિકાસ તેમજ પ્રગતિની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં તમામ વર્ગ દુઃખી છે આવતીકાલે સૂર્ય પુર્વમાંથી નીકળવાનો છે તે જેટલુ નિશ્ચિત છે તેટલુંજ ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે અને તેનું શ્રેય આદિવાસીઓને જશે.
એહમદ પટેલે કહ્યુ હતુ કે વર્ષ-૨૦૦૩માં દેડિયાપાડામાં નરેન્દ્ર મોદી આવ્યા અને તેમણે દેડિયાપાડાને ઇકો ટુરીસ્ટ સ્પોટ બનાવવાનું કહ્યુ હતુ પરંતુ કશુ ના થયુ ત્યારબાદ વર્ષ-૨૦૦૮માં મોદી ફરી દેડિયાપાડા આવ્યા ગુજરાત સ્વર્ણિમ દરમિયાન દેડિયાપાડાનું પરીવર્તન કરી નાંખીશુ, આદિવાસીઓને જંગલ જમીન આપીશ તેમ કહ્યુ પરંતુ કશુ ના કર્યુ માત્ર વાયદાઓજ તેઓ કરે છે. તેમણે ઉમેર્યુ હતુ કે મોદી લાલબત્તીની વાતો કરે છે પરંતુ હું કહેવા માંગુ છુ કે પહેલા તમારા માનસમાંથી તેને દુર કરો. દિલ્હીમાં તેઓ નીકળવાના હોય ત્યારે અડધો કલાક જનતાને બાનમાં લે છે. નર્મદા યોજનાને લગતા તમામ કામો માત્ર કોંગ્રેસના શાસનમાં થયા છે.