રાજ્યમાં કોરોના મહામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધતા જતા કેસને લઈને રાજ્યના પોલીસ વડાએ માસ્ક નહીં પહેરનાર સામે કડક પગલાં ભરવાનો આદેશ કર્યો છે. ત્યારે અમદાવાદમાં પોલીસે માસ્ક વિના બહાર નિકળતા 3275 લોકો પાસેથી 32.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.પોલીસે ડીજીપીના આદેશ પહેલાના ત્રણ દિવસમાં 2027 લોકો પાસેથી 20.27 લાખનો દંડ વસૂલ્યો છે. કોરોના કાળથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસે 27 કરોડથી વધુ રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે.
રાજ્યમાં કોરોનાની શરુઆતથી લઈને અત્યાર સુધીમાં પોલીસે 150 કરોડથી વધુની રકમ માસ્કના દંડ પેટે વસૂલી છે. માર્ચ મહિનાથી દેશમાં કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોના પોતાની ગતિ પકડી રહ્યો હતો. ત્યારે સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ હતું. આ સમયગાળા દરમિયાન પોલીસે લોકો પાસેથી કરોડો રૂપિયામાં માસ્કનો દંડ વસૂલ્યો હતો. હવે ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદના માત્ર પૂર્વ વિસ્તારમાંથી જ પોલીસે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 1.63 લાખ લોકો પાસેથી 8.98 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જ્યારે 20 હજારથી વધુ લોકોની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ પણ કરી છે. શહેરના ઝોન-4માં માસ્ક નહીં પહેરવાના 62 હજાર 767, ઝોન5માં 42 હજાર 474 અને ઝોન 6માં 58 હજાર 288 કેસ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદમાં ઝોન 5માં માસ્કના દંડ તથા જાહેરનામા ભંગના સૌથી ઓછા કેસ નોંધાયા છે.