અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવી સ્પષ્ટ પરિપત્ર કરાયો છે. ઉલ્લેખનીય છેકે, તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ આવા કર્મચારીઓના વેક્સિનના બંનને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. મ્યુનિ. કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આવશ્યક હોવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઝોનમાં પણ એવી સૂચના આપવામાં આવી છેકે, વેક્સિન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે. એટલું જ નહી પણ અધિકારી - કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું પ્રમાણપત્ર સબંધીત વિભાગના એચઓડી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ઇન્ટુકના શહેર પ્રમુખ અંકુર સાગરે જણાવ્યું હતુંકે, વેક્સિનનેશન ફરજિયાત નહી હોવા છતાં પણ આ રીતે મ્યુનિ. તંત્ર ફરજિયાત બનાવીને ગરીબ કામદારોના પગાર અટકાવે તે યોગ્ય નથી. અમદાવાદ મ્યુનિ. દ્વારા અગાઉ મ્યુનિ. કચેરીઓ, જાહેર પરિવહન એએમટીએસ - બીઆરટીએસ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા તમામને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જે પ્રતિબંધનો અત્યારે અસરકાર ચાલી રહ્યો છે. ત્યારે હવે મ્યુનિ. તંત્રએ કર્મચારીઓ પર પણ તવાઇ લાવી છે. જો અનિવાર્ય કારણસર કોઇ કર્મચારીએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો પછી તેમણે રસીકરણની ગાઇડલાઇન પ્રમાણે સક્ષમ સત્તાના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહશે અને તે સર્ટિફિકેટ ગ્રાહ્ય રાખવામાં આવશે.