કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશક ભુકંપની ૧૭મી વરસી હજુ હમણાં જ પૂર્ણ થઇ છે ત્યાં આજે વહેલી સવારે અનુભવાયેલા ૪.૧ની તીવ્રતા સહિત ૪ કંપનોથી ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો છે. વિનાશક ભુકંપના થોડા વર્ષો બાદ પૂર્વ કચ્છમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ જતાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વ કચ્છમાં આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. જેમાં ખાસ કરીને ભચાઉ, રાપર તથા દુધઇ સહિતનાં વિસ્તારોમાં ૧થી માંડીને ૪ની તીવ્રતાના કંપનો ભુતકાળમાં અનુભવાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે સવારે ૪:૩૬ વાગ્યે ભચાઉ પાસે ૪.૧ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત રાત્રે ૧૧:૩૭ વાગ્યે ૧.૨ની તીવ્રતા સાથે ખાવડા નજીક, રાત્રે ૧૨:૨૦ વાગ્યે ૧.૩ ની તીવ્રતા સાથે રાપર પાસે, સવારે ૧૦: ૪૭ વાગ્યે ૧.૯ ની તીવ્રતા સાથે ભચાઉ પાસે કંપન અનુભવાયા હતા. જેના કારણે આ પથકનાં રહેવાસીઓમાં ભયની લગણી પ્રસરી હતી. અગાઉના સમયમાં વાગડ પંથકમાં ભુસંશોધનની માંગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી નક્કર કામગીરી કરવામાં નહીં આવતાં વારંવાર અનુભવાતા આંચકાઓનું સચોટ કારણ જાણવા મળી શક્યું નથી.