ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. કેટલાંય સમયથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણને પગલે તેઓ ગુજરાત આવી શક્યા ન હતાં, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય હલચલ શાંત પડતાં તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. જો કે તેમની આ મુલાકાત માત્ર પારિવારિક હેતુને લઇને જ છે તેવું જણાવાઇ રહ્યું છે. આ તરફ આનંદીબેન જૂથના એક નેતા અનુસાર તેઓ અને તેમના જૂથના અન્ય નેતાઓ આ દરમિયાન એક દિવસ બેનની ઔપચારિક મુલાકાતે જશે.
આનંદીબેન રાજ્યપાલ બન્યા બાદ ગુજરાત બહાર જતાં તેમના જૂથના લોકોને હાંશિયામાં ધકેલી દેવાયાં છે, તેની રજૂઆત કરવા માટે બેનને તેઓ મળશે. આ નેતાના જણાવ્યા અનુસાર બેનના જૂથના લોકોને પક્ષમાં કે સરકારમાં હોદ્દા તો ઠીક પણ હવે તો ટીકીટો ય મળતી નથી. આ સંજોગોમાં આવતી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તેમના વતી આનંદીબેન હાઇકમાન્ડ સમક્ષ તેમનો પક્ષ રજૂ કરે તેવી આ નેતાઓની ઇચ્છા છે. એક સમયે અમદાવાદ અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દબદબો ભોગવતું આનંદીબેન જૂથ હાલ ઉપેક્ષાનો સામનો કરી રહ્યું છે.