Publish Date: Mon, 24 Aug 2026 (16:00 IST)
Updated Date: Mon, 24 Aug 2026 (16:10 IST)
દીક્ષા પોર્ટલ પર NCERT ના અભ્યાસક્રમ આધારિત 845થી વધુ વર્ચ્યુઅલ લેબ અને ડિજિટલ રિસોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ પ્રયોગોનું સિમ્યુલેશન કરી શકશે. ખાસ કરીને અમદાવાદમાં જે CBSE શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લર્નિંગનો ઉપયોગ થાય છે, ત્યાં આ સુવિધા વિદ્યાર્થીઓ માટે રિવિઝન અને કોન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ ઉપયોગી બનશે.
શિક્ષણ મંત્રાલય અને CIET-NCERT નો સંયુક્ત પ્રયાસ
શિક્ષણ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેક્નોલોજી મંત્રાલય દ્વારા CIET-NCERT ના સહયોગથી આ ડિજિટલ રિસોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ સામગ્રી ધોરણ, વિષય અને પ્રકરણ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ CBSE સંલગ્ન શાળાઓને આ મહત્વપૂર્ણ સુવિધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે જણાવવામાં આવ્યું છે.
QR કોડ અને ડિજિટલ માધ્યમથી સરળ એક્સેસ
વિદ્યાર્થીઓને અલગથી કોઈ મોંઘાં સાધનો ખરીદવાની જરૂર નહીં પડે. NCERT પાઠ્યપુસ્તકના પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરીને સીધા જ સંબંધિત ડિજિટલ રિસોર્સ અને વર્ચ્યુઅલ લેબ સુધી પહોંચી શકાય છે. આ ઉપરાંત, મોબાઇલ એપ અને દીક્ષા પોર્ટલ પરથી પણ ધોરણ, વિષય અને ચેપ્ટર પ્રમાણે સામગ્રી મેળવી શકાશે, જેથી વાસ્તવિક લેબમાં રહેતી કેમિકલ, સાધનો કે સમયની મર્યાદાઓમાંથી મુક્તિ મળશે.