ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. મોદીની મુલાકાત બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગયા છે. તેમાં પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં આવવાના સંકેત આપી રહ્યા છે. જે અંગે આજે તેમણે જણાવ્યું હતું કે, 20 અને 30 માર્ચની વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરીશ. હું લોકોના કામ કરવામાં માનું છું, મંત્રી બનવા નથી માગતો. તેમા પણ તાજેતરમાં તેઓએ દિલ્હીની મુલાકાત લીધી હોવાથી તેમની રાજકીય ઇનિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી તેમને રાજ્યસભામાં લઈ જવાની ઓફર કરી રાજકારણમાં એન્ટ્રી કરાવી શકે છે.માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની પાંચ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે, આ ચૂંટણીમાં આપને 4 બેઠક મળે તેમ છે તે સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેશ પટેલને રાજ્યસભા લડવાની ઓફર કરી શકે છે. દિલ્હી બાદ પંજાબમાં પણ વિજય બાદ આપની નજર ગુજરાતમાં પાટીદારો તરફ વધુ છે. એટલું જ નહીં પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હાલ રાજકારણમાં પ્રવેશવા થનગની રહ્યા છે, ભાજપ અને કૉંગ્રેસની સાથે આપના નેતાઓ પણ નરેશ પટેલનો સંપર્ક કરી આપમાં જોડાવાની ઓફર પણ કરી ચૂક્યા છે.નરેશ પટેલ બે દિવસ પહેલા દિલ્હી પણ જઈ આવ્યા છે. એટલું જ નહીં નરેશ પટેલે આજે જ કહ્યું હતું કે, રાજકીય પ્રવેશ અંગે 20 થી 30 માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. તેની પાછળનું એવું ગણિત હોઈ શકે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. એટલે જ નરેશ પટેલ પણ આપમાં રાજ્યસભાની ચૂંટણી લડી સીધા દિલ્હીના રાજકારણમાં જઈ શકે. તેની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેશ પટેલ આપનો પ્રચાર કરી શકે છે. એવું પણ કહેવાય છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બને કે ના બને પણ તેમનું દિલ્હી સુધીનું રાજકારણ તો સલામત રહી શકે છે.પંજાબમાં જુલાઈ સુધીમાં રાજ્યસભાની 7 બેઠકની ચૂંટણી યોજાશે. જેમાંથી આપને 6 બેઠક મળવાની શક્યતા છે. આ સાથે જ આપ પણ બીજુ જનતાદળની જેમ રાજ્યસભામાં 9 સીટ સાથે છઠ્ઠા ક્રમે આવી જશે.