વડોદરા શહેરમાં બે બાઈક સવાર મહિલાનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગતા બાઈકસવાર લૂંટારાનો મહિલાએ પીછો પણ કર્યો હતો, પણ તેઓ ભાગવામાં સફળ થયા હતા. આ બનાવ બાદ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV ફૂટેજના આધારે બન્ને લૂંટારા શખસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. તો ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ બનાવ અંગે ભોગ બનનારાં નિમિષાબેને જે.પી. રોડ પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અક્ષર ચોક વિસ્તારમાં આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહું છું. રવિવારે સાંજે મારા પતિ અને હું મારા ઘરેથી એક્ટિવા લઇને મારા ફુઆ મરણ પામેલ હોવાથી મુજમહુડા ગયાં હતાં. એ બાદ ત્યાંથી સાંજે પાંચ વાગે હું એકલી મારું એક્ટિવા લઇ સન ફાર્મા રોડ થઇ હીરાનગર સોસાયટીના કટથી પરત મારા ઘરે કૈલાસપાર્ક સોસાયટીમાં જઈ રહી હતી.આ દરમિયાન હીરાનગર સોસાયટીની બાજુમાં ગેટ આગળ રોડ પર પહોંચતાં બે અજાણ્યા શખસો મારી પાછળ મોટરસાઇકલ પર ધસી આવ્યા હતા. એ પૈકી એક મોટરસાઇકલ ચલાવતા ઇસમે બ્લૂ કલરનું પેન્ટ તથા લીલા કલર જેવો શર્ટ પહેર્યો હતો તેમજ પાછળ બેઠેલા બીજા શખસે બ્લેક કલરનું પેન્ટ તથા આછા લાલ કલરનો લીટીવાળો શર્ટ પહેર્યો હતો. જે બન્ને ઇસમ 25થી 30 વર્ષની ઉંમરના હતા. આ બન્ને શખસ મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
તે બન્ને મોટરસાઇકલ ઉપર ઓ.પી રોડ તરફ ભાગી ગયા હતા. તેમનો મેં પીછો પણ કર્યો, પણ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.આ સોનાની ચેઇન આશરે દોઢ તોલાની, જેની કિંમત રૂપિયા 50,000 જેટલી હતી. આ ચેઇન મારા ગળામાંથી તોડી રિલાયન્સ મોલની ગલીમાંથી થઈ ઓ.પી.રોડ તરફ ભાગી ગયા હતા. તેથી આ બે અજાણ્યા શખસ વિરુદ્ધ મહિલાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ બન્ને અજાણ્યા શખસની શોધખોળ શરૂ કરી છે.