Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સાયબર ગુનાના ઉકેલ માટે હવે ગુજરાત ‘‘સાયબર કોપ્સ’’થી સજ્જ

સાયબર ગુનાના ઉકેલ માટે હવે ગુજરાત ‘‘સાયબર કોપ્સ’’થી સજ્જ
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:02 IST)
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આજના વિકસિત યુગમાં ટેકનોલોજીના કારણે ગુનાની પરિભાષા બદલાઇ રહી છે ત્યારે તેનો સામનો કરવા માટે રાજ્ય સરકાર અને પ્રજાજનોએ વધુ સજ્જ બનવું પડશે. આજે ગાંધીનગર ખાતે સાયબર સુરક્ષા દિવસ-૨૦૧૭ની ઉજવણીનો શુભારંભ કરાવતા મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે,૨૧મી સદીમાં સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતે આ ક્ષેત્રે પણ આવા પડકારોને પહોંચી વળવા માટે નવતર પહેલ કરીને સાયબર સુરક્ષા કવચની રચના કરીને સમગ્ર દેશને નવો રાહ ચિંધ્યો છે. સાથે સાથે રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિને કારણે સાયબર ગુના ઉકેલવા માટે હવે  રાજ્ય સરકાર પાસે ટેકનોલોજી અને સાયબર ગુનાથી સજ્જ કર્મચારી-અધિકારી એવા સાયબર કોપ્સ ઉપલબ્ધ છે જેનાથી આ ક્ષેત્રે વધુ અસરકારકતા સાધી શકાશે. 

તેમણે ઉમેર્યું હતું કે, સાયબર ક્રાઇમના ગુનાઓને કોર્ટમાં સાબિત કરી શકાય તે માટે પુરાવા નાશ ન પામે તે રીતે તપાસ કરાવી કોર્ટમાં આવા ગુનાઓ પુરવાર કરી શકાય અને ગુનેગારોને આઇ.ટી. એકટ અને અન્ય આનુષાંગિક કાયદાઓ મુજબ કાયદાની ચુંગાલમાં લાવીને સખ્ત શિક્ષા કરી શકાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવવું જરૂરી બન્યું છે. સામાન્ય રીતે લોકો જ્યારે વ્યક્તિગત કે સંસ્થાગત રીતે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તેની તેમને જાણ જ હોતી નથી અને જયારે જાણ થાય ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. રાજ્યમાં આ પ્રકારના સાયબર એટેક અટકાવવા માટે અને શોધવા માટે કોઇ કેન્દ્રસ્થ વ્યવસ્થા તંત્ર નથી. ઉપરાંત આવા ગુનાઓ બનતા અટકાવવા માટે લોક જાગૃતિ અતિ આવશ્યક છે. આ માટે ગુજરાતે દેશભરમાં ઉદાહરણરૂપ કામગીરી કરીને સાયબર સુરક્ષા સંદર્ભે પોલીસ તંત્રમાં એક નવી જ વ્યવસ્થા ઉભી કરી છે. વિકસીત દેશોમાં જે રીતે સાયબર સુરક્ષા તંત્ર ગોઠવવામાં આવે છે તે રીતે ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસોના ઉકેલ માટે સાયબર સુરક્ષા કવચની રચના કરી છે. જેના દ્વારા રાજ્યભરમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. 

ગુજરાત વૈશ્વિક મૂડી રોકાણકારો માટેનું ડેસ્ટીનેશન બન્યું છે ત્યારે રાજ્યમાં સમૃદ્ધિ પણ વધી છે. આવા વિકસીત ગુજરાતમાં સાયબર ક્રાઇમ અને સંગઠિત ગુનાઓના અટકાવ માટે વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરી ગુનાઓના ઉકેલની સજ્જતાને નવી જ દિશા આપી હતી. એજ માર્ગે ગુજરાતે સાયબર સુરક્ષા ક્ષેત્રે વધુ સજ્જતા કેળવવા આ અભિયાન શરૂ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

26મી જાન્યુઆરીની જાહેરાત બાદ આજે સાબરમતી જેલમાંથી 95 કેદીઓ મુક્ત કરાયા