અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગુનેગારો બેફામ બની રહ્યાં છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામ બની હોવાની ઘટનાઓ બની છે. મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે માથાભારે શખ્સએ તેના સાગરિત સાથે એક વ્યક્તિના ઘરમાં ઘુસી તેને ખંજરના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. વ્યક્તિના પુત્રએ માથાભારે શખ્સના મિત્ર સામે લૂંટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેની અદાવત રાખી આ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે. મેઘાણીનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં મનોજ પટણી પરિવાર સાથે રહે છે અને લાલદરવાજા મચ્છી માર્કેટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેને બે દીકરા અને એક દીકરી છે. ગુરુવારે બપોરે મનોજભાઈ ઘરે એકલા હતા ત્યારે વિસ્તારના માથાભારે અને અવારનવાર ઝઘડાઓ કરતાં જોન્ટી પટણી અને બુચીયો પટણી નામના શખ્સ ઘરમાં ઘુસી આવ્યા હતા. તારા છોકરાએ મારા મિત્ર મહેશ ઉર્ફે કટ્ટા વિરુદ્ધ કેમ ફરિયાદ કરી છે તેમ કહી ગાળાગાળી કરી હતી. જેથી મનોજભાઈએ ગાળો બોલવાની ના પાડતા જોન્ટીએ ખંજર કાઢી ગળાના ભાગે અને સાથળના ભાગે મારી ગંભીર ઇજાઓ કરી હતી. આ વખતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ગમે તે રીતે બહાર આવી બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોન્ટી અને બુચિયા સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.