12 મી એપ્રિલે મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો હું પડી ભાંગી હતી... સર્વ પ્રથમ મેં ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર મેળવી. ત્યારબાદ મારી સ્વાસ્થ્ય સ્થિતિ વણસતા મને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલનું એક્સટેન્શન મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી દાખલ કરવામાં આવી. મંજુશ્રી હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં હું સારવાર હેઠળ હતી. એકક્ષણે તો એવું જ થયુ કે હું નહીં બચી શકુ....આ શબ્દો છે કોરોનામુક્ત થયેલ મેનકા શર્માના.
મેનકા શર્મા એક ખાનગી બેંકના કર્મચારી છે. તેઓ મંજુશ્રી હોસ્પિટલમાંથી કોરોનામુક્ત થઇ ઘરે પરત ફર્યા બાદ પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે,આઇ.સી.યુ.માં સારવાર હેઠળ હતી ત્યારે જીવ બચશે તેવી આશા છોડી ચૂકી હતી. પરંતુ અહીંના તબીબો અને નર્સિંગ સ્ટાફ મારી હિંમત બાંધતા રહ્યાં. કોરોનામાં આઇ.સી.યુ. સુધી પહોંચવાનો તબક્કો મારા માટે ભયાવહ સ્થિતિ ઉભી કરી રહ્યો હતો. હું ડરી ગઇ હતી. પરંતુ અહીંના હેલ્થકેર વર્કરોના અથાગ પરિશ્રમના કારણે તબક્કાવાર હું આઇ.સી.યુ. માંથી ઓક્સિજન પર અને ઓક્સિજન પર થી સાદા વોર્ડમાં આવીને સ્વસ્થ થઇ.
મેનકા શર્માના આ શબ્દો અને તેમના અનુભવો અગણિત દર્દીઓ માટે પ્રોત્સાહનરૂપ બન્યા છે. મેનકાબેન જ્યારે આઇ.સી.યુ.માં સારવાર હેઠળ હતા ત્યારે ઘબરાયા હતા જેથી તબીબોની સંવેદનશીલતાએ તેમનામાં પ્રાણ પુર્યો. મંજુશ્રી હોસ્પિટલના સ્ટાફ મિત્રોની સહાનુભૂતિએ તેમને હિંમત બંધાવી. સમયસરની સારવાર અને સતત દેખરેખના કારણે આજે તેઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
મેનકા શર્માએ હોસ્પિટલના તબીબો માટે પોતાના હસ્તલિખિત પત્ર લખ્યો છે જેમાં હોસ્પિટલ તંત્ર અને અહીંના તબીબો અને સ્ટાફ મિત્રો તરફથી મળેલ ઇમરજન્સી સેવા બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે, તેઓએ કહ્યું છે કે, હું પોતાના હાથે જમવા સક્ષમ ન હતી ત્યારે અહીનાં નર્સોએ પોતાના માનીને મને જમાડતા હતા.તેઓ મારા પરિવારના સભ્યો હોય તેવી લાગણી મને નિત્યક્રમે અનુભવાતી હતી. તેઓએ પોતાના સાજા થઇને ઘરે જવા બદલ મંજુશ્રી હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કરના અથાગ મહેનત અને પરિશ્રમને કારણ દર્શાવી આભાર માન્યો છે.