સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરૂવારે 18 કેસ સામે આવ્યા, જ્યારે બુધવારે 17 કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 170 દિવસ પછી, ફરી બુધવારે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, એક 70 વર્ષીય વૃદ્ધ હૃદયની ગંભીર બિમારીથી પીડિત હતા. 17 દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 15 ડિસેમ્બરે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સિવિલના તબીબોએ મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી મૃત્યુની પુષ્ટિ કરી છે. મનપાના આરોગ્ય વિભાગે તેને કોરોનાથી મૃત્યુ ગણાવ્યું છે. અગાઉ, શહેરમાં કોરોનાથી છેલ્લું મૃત્યુ 5 જુલાઈ 2021ના રોજ થયું હતું. સુરતમાં અત્યાર સુધીમાં 2118 દર્દીઓના મોત થયા છે. સુરતમાં 175 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાયા છે. આ વર્ષની શરૂઆતમાં 29 જૂને 22 કેસ સામે આવ્યા હતા. તે પછી દર્દીઓની સંખ્યા સતત ઘટવા લાગી હતી.
બુધવારે શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 8, અઠવા ઝોનમાં 7 અને વરાછા ઝોન A માં 1 કેસ નોંધાયા છે. કુલ 17 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 16 કેસ શહેરમાં જ્યારે એક કેસ ગ્રામ્યમાં પણ મળી આવ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 1,11,990 અને ગ્રામ્ય વિસ્તારોમાં 3,22,29 કેસ નોંધાયા છે. તે જ સમયે, માત્ર એક દર્દીને રજા આપવામાં આવી છે, જે શહેરના છે. શહેરમાંથી અત્યાર સુધીમાં 1,10,289 દર્દીઓ સાજા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં રાજ્યમાં આજે કોરોનાના 111 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં 1 અને આણંદમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશન 11, વડોદરા કોર્પોરેશન 10, કચ્છ-વલસાડ 5, ખેડા નવસારી -4, આણંદ રાજકોટમાં 3, મહીસાગરમાં 2, ભાવનગર કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.