-સ્કૂલોમાં બીટ પ્રમાણે નિરીક્ષકો દ્વારા ચેકીંગ અને મોનિટરિંગ શરૂ કરાયું
રાજ્યમાં અનેક સ્કૂલોમાં કોરોનાના કેસ આવ્યા છે. ત્યારે અમદાવાદની પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાની એન્ટ્રી બાદ શિક્ષણ વિભાગ સજ્જ થયું છે અને સ્કૂલોમાં મોનિટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્કૂલો દ્વારા કોરોનાના કેસ હોવા છતાં DEOને જાણ કરવામાં નહીં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની માન્યતા રદ થવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
અમદાવાદની 2 સ્કૂલોમાં અત્યારે કોરોનાના કેસ સામે આવ્યા છે, જે બાદ અન્ય સ્કૂલોમાં કોરોનાના કેસ આવે તે માટે DEO કચેરી તરફથી હવે નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. બીટ પ્રમાણે નિરીક્ષકો દ્વારા હવે ચેકીંગ અને સ્કૂલોનું મોનિટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા નિયમોનું પાલન ના થાય તો નોટિસ પણ આપવામાં આવે છે. ઉપરાંત સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
સ્કૂલોમાં કોઈ વિદ્યાર્થીને કોરોના હોય તો સ્કૂલ દ્વારા તે અંગે DEO કચેરીને જાણ કારવાની રહેશે. સ્કૂલ બેદરકારી રાખીને DEO કચેરીને જાણ ન કરે તો શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલોએ જો ગંભીરતા ન દાખવી હોય તો તે મુજબ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે અને વધુમાં સ્કૂલની માન્યતા રદ થવા સુધીની શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.