સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બનીને વર્તાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી માગી છે.
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન ચોથા માળે 50 બેડ ઉભા કરવા કોંગ્રેસ તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે, માત્ર સરકાર મંજૂરી આપે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવા સરકાર ભલામણ કરી છે. સાથે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ તમામ કાર્યલાય વિના મુલ્યે આપવા તૈયાર છે. 10 હજાર રેમડેસિવિર ઇન્જક્શન કોંગ્રેસ પક્ષને આપવામા આવે, કોંગ્રેસ ગામ ગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે. સાથે જ અમે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમને ખર્ચે ઉપાડવા તૈયાર છે.