Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોંગ્રેસના ધારાસભ્યો રીસોર્ટમાંથી મુક્ત થઈને મતવિસ્તારમાં ફરતા જોવા મળશે

કોંગ્રેસના ધારાસભ્યો રીસોર્ટમાંથી મુક્ત થઈને મતવિસ્તારમાં ફરતા જોવા મળશે
, સોમવાર, 8 જૂન 2020 (14:42 IST)
ગુજરાતમાં 19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, ત્યારે ધારાસભ્યોને અલગ અલગ રાખવાના કારણે આંતરિક જૂથવાદ ઉભો થવાની ભીતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યોને રિસોર્ટ સંક્રમણથી દૂર કરીને છૂટા રાખવા માટેની સલાહ આપી છે. જેથી આગામી દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યો હવે રિસોર્ટમાં નહીં પરંતુ મતવિસ્તારમાં ફરતા જોવા મળશે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના આઠ ધારાસભ્યના રાજીનામા બાદ એકાએક સફાળી જાગેલી કોંગ્રેસે બાકી વધેલા ધારાસભ્યોને બચાવવા માટે અલગ-અલગ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ આ ચૂંટણી કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભરતસિંહ અને શક્તિસિંહ લડતા હોવાથી બંને માટે આ જીતનો જંગ છે, ત્યારે ધારાસભ્યોને પણ પોતાની તરફ ખેંચવા માટે બંને ઉમેદવારો અને તેમના સમર્થકો તનતોડ મહેનત કરી રહ્યા છે. જેના કારણે ધારાસભ્યો પણ અસમંજસમાં મુકાઈ ગયા છે અને આ અંગેની જાણ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી થતાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સલાહ આપી છે કે હવે રિસોર્ટના સંક્રમણમાંથી ધારાસભ્યોને છૂટા મૂકી દો અને ચૂંટણી સમયે ધારાસભ્યોને સાથે રાખજો. તેથી ગુજરાત કોંગ્રેસે પણ હવે વ્યૂહરચના બદલીને આગામી બે-ત્રણ દિવસમાં ધારાસભ્યોને રિસોર્ટમાંથી મુક્ત કરીને જે ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તેવા ધારાસભ્યની સામે મોરચો માંડવા માટેની રણનીતિ ગણવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં આજીડેમ પાસેના ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બેનાં મોત