પાંચ જુલાઈએ યોજાનારી રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના હેડક્વાર્ટરથી પક્ષના તમામ ધારાસભ્યોને વ્હીપ આપવાનું શરૂ કર્યું છે. જેને પગલે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ, સી.જે.ચાવડા, ગેની બહેન ઠાકોર, અને બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ વ્હીપ આપવા એમએલએ ક્વાટરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ઘરે પહોંચ્યા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર ઘરે હાજર ન હોવાથી તેમના નિવાસસ્થાનની બહાર વ્હીપ લગાવી દેવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જો વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપે તો 6 વર્ષ માટે તે ગેરલાયક ઠરશે. આ સિવાય કોંગ્રેસ રાજ્યસભાના મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જઈ રહી હોવાની વાત સામે આવી છે. જો કે આ ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર જોડાશે નહીં.