રમત-ગમત,યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી સ્થિત જગપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે શામળાજી દ્વિ દિવસીય શામળાજી મહોત્સવને જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડિંડોરે ખુલ્લો મુક્યો હતો.
તા. ૨૬ ફ્રેબુઆરી ૨૦૨૨ના રોજ શામળાજી પરીસર ખાતે શામળાજી રંગારંગ મહોત્સવને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજયની આ પ્રગતિશીલ સરકાર પવિત્ર યાત્રાધામ સાથે જોડાયેલી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું પવિત્ર યાત્રાધામ શામળાજી આદિવાસી લોકોના આસ્થાનું કેન્દ્ર છે.
અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિરનો રાજ્ય સરકાર દ્વારા ૭૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. જિલ્લામાં લોકહૃદયમાં સ્થાન પામેલા શામળાજીના કાળિયા ઠાકર સમગ્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર દેશ દુનિયામાં સુવિખ્યાત છે. બૌધ્ધ ધર્મનો ઐતિહાસીક “વિશ્વશાંતિનો સંદેશો” આ૫તું દેવની મોરી ગામ પુરાતન બુધ્ધના અવશેષોનું સાક્ષી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આદિવાસી શૌર્યગાથા સંકળાયેલા એવા નજીકના પાલ-દઢવાવ ખાતે ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરવાનું કામ રાજય સરકાર કરી રહી છે.
આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઝાંઝરી કલ્ચર ગ્રુપ દ્વારા કૃષ્ણલીલાની પ્રસ્તુતિ રજૂ કરાશે. જયારે બીજા દિવસે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર શ્રી હિતુ કનોડિયા અને કલાવૃંદ દ્વારા લોકગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ રંગારંગ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ દિપસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.