રાજ્યમાં બંદરોના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયાકિનારા પરથી દેશનો ૩૦ થી ૩૨ ટકા કાર્ગો ગુજરાતના દરિયા કિનારેથી નિકાસ થાય છે. બંદરો પરથી કાર્ગોના નિકાસના કારણે રાજ્યની આવકમાં ઉત્તરોત્તર વધારો પણ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રાજ્યની આવક રૂા.૯૬૪ કરોડ હતી તે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂા.૧૧૪૫ કરોડ થઇ છે. બંદરોના વિકાસ માટે પોલિસી બનાવનારું એક માત્ર ગુજરાત રાજ્ય છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત બન્યુ છે જેમાં એલ.એન.જી. ગેસ આધારિત ટર્મિનલ બનાવ્યા છે. દહેજ, હજીરા તથા મુદ્રામાં એલ.એન.જી.ટર્મીનલ કાર્યરત છે અને પીપાવાવમાં ટૂંક સમયમાં ચાલુ થશે. તથા મુદ્રા ખાતે અલંગ શીપયાર્ડમાં પણ નવા ૧૫ પ્લોટો બનાવાશે અને ૭૦ પ્લોટનું અપગ્રેડેશન કરવાનું આયોજન છે. ભાવનગર ખાતે દેશનું સૌ પ્રથમ સી.એન.જી. ટર્મિનલ વિકસાવવામાં આવનાર છે જેમાં લીક્વીડ કન્ટેનર દ્વારા ગેસ લાવીને ઉદ્યોગોને તેના વિતરણની વ્યવસ્થા ઉભી કરાશે. આ માટે ફોર્ટસાઇટ ગ્રુપ સર્વિસિસ જોડે એમ.ઓ.યુ. પણ કર્યા છે.
રાજ્યમાં મોટા અને નાના બંદરો સાથે સાથે કેપ્ટીવ જેટી દ્વારા પણ કાર્ગોનું વહન થાય છે. રાજ્યમાં ૩૩ કેપ્ટીવ જેટીઓ કાર્યરત છે જે ખાનગી જેટીઓ છે તેનો અન્ય લોકો ઉપયોગ કરી શકે તે માટે આ તમામ કેપ્ટીવ જેટીઓ પરથી કોમર્શિયલ કાર્ગો લાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રૂા.૪૧૨ કરોડની વાર્ષિક આવકમાં વધારો થશે.
રાજ્યમાં ઉદ્યોગોનો વ્યાપ વધે અને રોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધારવાના સંનિષ્ઠ પ્રયાસો અમે કરી રહ્યા છીએ. ઉદ્યોગો માટે નવી નવી નીતિઓ બનાવી છે જેના શ્રેષ્ઠ અમલથકી જ આજે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઇન્ડીયામાં શ્રેષ્ઠ રોકાણકાર રાજ્ય બની ગયુ છે. તેમણે ઉમેર્યુ કે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત રાજ્યમાં ૨૦૦૩ થી શરૂ કર્યુ અને શ્રેષ્ઠ આયોજનના પરિણામે દેશ-વિદેશના લોકો ગુજરાત તરફ આકર્ષાયા છે. જેના પરિણામે અન્ય રાજ્યો પણ વાયબ્રન્ટનું આયોજન કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ વાયબ્રન્ટ જોઇએ તો વર્ષ ૨૦૧૫માં ૨૧,૩૦૪ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા.જેમાં ૧૫,૪૮૮ પ્રોજેક્ટ કમીશન્ડ થયા અને ૭૨.૭૦ ટકા સિદ્ધિ મળી.વર્ષ ૨૦૧૭માં ૨૪,૭૭૪ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા તે પૈકી ૧૫,૮૬૬ પ્રોજેક્ટ કમીશન્ડ અને ૭૩.૪૦ ટકા સિદ્ધિ મળી છે. એજ રીતે વર્ષ ૨૦૧૯માં ૨૮,૩૬૦ પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. થયા અને માત્ર એક વર્ષના ગાળામાં ૬,૧૭૧ પ્રોજેક્ટ કમીશન્ડ થયા અને ૭,૩૧૧ પ્રોજેક્ટ ચાલુ થઇ ગયા છે જેના દ્વારા ૪૭.૫૪ ટકા સિદ્ધિ મળી છે.
ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે નવી પોલિસીઓ બનાવીશુ અને કાર્યરત પોલિસી છે જેને એક્સટેન્ડ પણ કરાશે. સાથે સાથે ઉદ્યોગોની વિસ્તરણ ક્ષ્મતા સાથે સ્કીલ ડેવલપમેન્ટ ટેકનોલોજી,ઇનોવેશનને પ્રોત્સાહન અને વેલ્યુએડિશન માટે નીતિનું ઘડતર અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવશે.એ જરીતે લેબર પ્રોડક્ટીવીટીને પ્રાધાન્ય આપીને ઉદ્યોગોને જરૂરિયાત મુજબનું માનવબળ પૂરુ પાડવા માટે ટેકનોલોજી આધારિત તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મારૂતિ,સુઝૂકી જેવી કંપનીઓ સાથે સંકલન કરીને તાલીમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહયું કે, સર્વ સમાવેશક વિકાસને વધારવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. યુવાઓને વિકાસમાં સહભાગી બનાવવા તેમની ટેકનોલોજીનો વિકાસયાત્રામાં ઉપયોગ થઇ શકે તે માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમાં પણ ગુજરાત આજે નં.૧ રહ્યુ છે અને એ માટે પણ રાજ્યને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ મળ્યો છે.
જિલ્લા મથકોએ રોજગારીનો વ્યાપ વધે એ માટે રાજ્યમાં જ્યાં પણ ૫૦ ઉદ્યોગકારો સ્થાનિક કક્ષાએ એકત્ર થઇને જી.આઇ.ડી.સી.ની સ્થાપના અંગે માંગ કરશે તો સરકાર એ દિશામાં ચોક્કસ વિચારશે. હાલ રાજ્યમાં ૨૧૬ જી.આઇ.ડી.સી. કાર્યરત છે અને ૧૧ લાખથી વધુ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. સાથે સાથે જી.આઇ.ડી.સી.ને માળખાગત સવલતો અને સબસીડી પણ પૂરી પાડવામાં આવે છે. આગામી સમયમાં નવી ૮ જી.આઇ.ડી.સીનું નિર્માણ કરાશે જેના કામો પ્રગતિ હેઠળ છે.
ગીફ્ટ સીટી પણ આજે ફાયનાન્શીયલ હબ બની ગયુ છે. જેમાં દેશ-વિદેશની આર્થિક સંસ્થાઓ અને બેંન્કો કાર્યરત થવા જઇ રહી છે. એજ રીતે નાના એકમોને સહાયરૂપ થવા એમ.એસ.એમ.ઇ. નીતિ અમલી બનાવી છે. જેમાં મહિલાઓ માટે અલાયદો પાર્ક પણ નિર્માણ કરવાનું અમારુ આયોજન છે. રાજ્યના હીરાબજારને પ્રોત્સાહન આપવા માટે જનભાગીદારી દ્વારા સુરત ખાતે હીરાબુર્ઝનું નિર્માણ થઇ રહ્યુ છે જેનું મુખ્યમંત્રી દ્વારા સતત મોનીટરીંગ થાય છે અને આગામી સમયમાં સત્વરે શરૂ કરવાના પ્રયાસો છે. જેના દ્વારા દેશ-વિદેશના વેપારીઓને વેપારની તકો મળશે અને એના કારણે આનુષાંગિક વ્યવસ્થા સ્થાનીક રોજગારી પણ વધશે.