Publish Date: Mon, 18 May 2026 (15:19 IST)
Updated Date: Mon, 18 May 2026 (15:39 IST)
ગુજરાતમાં આજથી વસતી ગણતરીની કામગીરીની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કવાયતનો પ્રારંભ કરાવ્યો છે. આગામી ૩૧ મે સુધી તમામ નાગરિકો ઘરે બેઠા જાતે જ પોતાની માહિતી ઓનલાઈન અપલોડ કરી શકશે. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે લોકોની આ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ઘરેથી થઈ શરૂઆત
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાનેથી વસતી ગણતરીની ટીમ દ્વારા વિધિવત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરત મનપા કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રીએ ઓનલાઈન વિગતો સબમિટ કરી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વસતી ગણતરીના સાચા આંકડાઓના આધારે જ સરકાર નવી લોકકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ ઘડે છે, જેથી વિકાસનો વાસ્તવિક લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકાય.
મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ ઓનલાઈન કરાવી સ્વ-ગણતરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરીને ડિજિટલ સ્વ-ગણતરી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમની સાથે જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની સચોટ માહિતી પૂરી પાડીને લોકોને આ અભિયાનમાં જોડાવા માટે જાગૃત કર્યા હતા.
1 જૂનથી 1.10 લાખ કર્મચારીઓ કરશે ડોર-ટુ-ડોર ગણતરી
આ વખતની વસતી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ 31 મે સુધી ઓનલાઈન સ્વ-ગણતરી ચાલી રહી છે, જ્યારે 1 જૂનથી 30 જૂન દરમિયાન ડોર-ટુ-ડોર ગણતરીનો મોટો તબક્કો શરૂ થશે. આ સમગ્ર રાષ્ટ્રીય કામગીરીને પહોંચી વળવા માટે ગુજરાતભરમાંથી 1.10 લાખ જેટલા કર્મચારીઓની ફોજ મેદાને ઉતારવામાં આવશે, જેઓ ઘરે-ઘરે જઈને ડિજિટલ માધ્યમથી વસતીના આંકડા એકત્રિત કરશે.
કર્મચારીઓ ઘરે આવીને પૂછશે 33 મહત્વના સવાલો
ઘરે-ઘરે મુલાકાત લેનારા આ કર્મચારીઓ દરેક પરિવારના મુખ્ય સભ્યને તેમના ઘર અને સુવિધાઓને લગતા કુલ 33 જેટલા નિર્ધારિત સવાલો પૂછશે. જો આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્ન હોય, તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર અથવા વસતી ગણતરીની અધિકૃત વેબસાઈટ પર સંપર્ક કરીને પોતાની સમસ્યાનું નિવારણ લાવી શકે છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો