ગુજરાતમાં અનેક ઠેકાણે પતંગના પેચ લડાવવામાં માથાકુટ થઈ હોવાના બનાવ સામે આવ્યાં છે. ત્યારે સુરતમાં પણ પતંગ ચગાવતાં યુવતીની છેડતી થઈ હોવાને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બબાલમાં બે જૂથો સામ સામે આવી જતાં પથ્થરમારો કરવા માંડ્યા હતાં. આ ઘટનામાં ચાર લોકોને ઈજા થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર અને બાઈકમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને 10થી વધુ લોકોની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના નાનપુરાના ખલીફા વિસ્તારમાં પતંગ ચગાવી કેટલાક લોકો યુવતીની છેડતી કરતા હતા. આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. રવિવારે સવારે પણ સામાન્ય છમકલું થતાં બન્ને જૂથો આમને-સામને આવી ગયા હતા અને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. અહીં કાર અને બાઈકને નુકસાન પણ પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા જ કુલ 4 પોલીસ સ્ટેશનનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મામલાને કાબૂમાં લીધો હતો. પોલીસે રાયોટિંગની ફરિયાદ લઈ સામ-સામે ગુનો નોંધી 10 લોકોની અટકાયત કરી હતી. ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે, ટેરેસ પર જ્યારે તેઓ પતંગ ચગાવવા ગયાં ત્યારે ત્રણથી ચાર લોકો યુવતીની છેડતી કરતાં હતાં. અમે પોલીસને બોલાવવાની બીક બતાવી તો કહ્યું કે જેને બોલાવવા હોય એને બોલાવો. પરંતુ પોલીસની ગાડી આવતાં જ તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં. ફટકાથી અમારી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમારે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.