રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી હોવાથી અનેક સવાલો ઉભા થયાં હતાં. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ખૂબજ વધારો થવાથી માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગની એપ્રિલ મહિનામાં લેવાનાર તમામ લેખિત પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષામાં પાંચ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાવાની હતી. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાવાની હતી. હવે આ પરીક્ષાઓ કોરોના સંક્રમણને કારણે અનિશ્ચિત મુદ્દત સુધી મોકુફ રાખવામાં આવી છે. GPSCના દિનેશ દાસાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને લીધે GPSC દ્વારા એપ્રિલમાં લેવામાં આવનાર તમાર લેખિત પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવે છે. જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછું નહીં થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં એમ કમિશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.