ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદના કેસમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને 27મી ઓગસ્ટ હાજર રહેવા આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહને ઈલેક્શન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું છે.વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.