હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી સામેની લડતમાં સહકાર આપવાના હેતુથી અગ્રગણ્ય ઔદ્યોગિક જૂથ "ચિરીપાલ ગ્રુપ" દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું છે, આ રકમનો ચેક "ચિરીપાલ ગ્રુપ"ના ડિરેક્ટર જયપ્રકાશ ચિરીપાલ અને ગ્રુપના અન્ય ડિરેક્ટર્સના હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપવામાં આવ્યો હતો.
આ અંગે વધુ જણાવતા "ચિરીપાલ ગ્રુપ"ના ડિરેક્ટર્સે કહ્યું કે "સમાજના ભાગ રૂપે અમને લાગે છે કે કોવિડ-19 રોગચાળા સામેની લડાઇમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કઠિન કાર્યમાં ફાળો આપવો તે અમારી નૈતિક જવાબદારી છે, કોવિડ19 સામેની આ લડાઈમાં અમે સરકાર અને સમાજને છેક સુધી સહકાર અને યોગદાન આપીશું.
વધુમાં ચિરીપાલ ગ્રુપના ડિરેક્ટર્સે જણાવ્યું કે નજીકના સમયમાં અમે ખુબજ મોટાપાયા ઉપર માસ્ક, સેનિટાઇઝર, ટોવેલ્સ વગેરેનું વિતરણ કરીશું, સાથે-સાથે હજારો જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ અને અનાજનું પણ વિતરણ કરવામાં આવશે. ઉપરાંત અમે ફેક્ટરીઝની આસપાસ અને શહેરના વિવિધ વિસ્તારોના સેનિટાઇઝેશનનું કાર્ય સ્થાનિક તંત્ર સાથે મળી કરીશું.