ગુજરાતમાં બોનસ ચુકવણી અધિનિયમ-1965 હેઠળ 10 કે તેથી વધુ શ્રમિકો-કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ- ફેક્ટરીઓ માટે સ્થાપનાના પાંચ વર્ષ પૂરા કર્યા પછી કાયદાની કલમ-10 મુજબ ઓછામાં ઓછું 8.33 ટકા અને કલમ-11 મુજબ 20 ટકા બોનસ ચૂકવવું ફરજિયાત છે. માસિક રૂ.21 હજાર સુધી પગાર મેળવનારને રૂ.7 હજાર અથવા નિયત થયેલા લઘુતમ વેતન પૈકી જે વધારે હોય તે રકમ બોનસ તરીકે ચૂકવવાનું હોય છે. આ કાયદાના ભંગ ફેક્ટરી કે સંસ્થાના માલિક સામે ફોજદારી રાહે પગલાં લેવાની કડક જોગવાઈ છે.
રાજ્યના શ્રમવિભાગના સૂત્રો કહે છે કે, 2022ના વર્ષમાં બોનસની ચુકવણી નહીં કરનારા 474 એકમો સામે કાયદાની રાહે કડક પગલાં ભરવાની નોટિસો અપાઈ હતી, જે પૈકી 240 એકમો સામે ફોજદારી કેસો દાખલ થઈ ચૂક્યાં છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કરનારા શ્રમિક-કર્મચારીને કાયદાની કલમ-8 હેઠળ બોનસનો લાભ મળે છે અને કલમ-11ની જોગવાઈ પ્રમાણે જે તે હિસાબી વર્ષ પૂરા કર્યાના 8 માસની અંદર, સંસ્થા-એકમે બોનસની ચુકવણી કરવાની રહે છે. મોટાભાગની સંસ્થાઓ-ફેક્ટરીઓ દિવાળી પર્વના સમયે તેમના કામદારો-કર્મચારીઓને બોનસ ચૂકવતી હોય છે, જો કે હવે કેટલીક સંસ્થાઓ બોનસની રકમના ભાગ પાડી વર્ષ દરમિયાન પગાર સાથે બોનસની ચુકવણી કરતી થઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે તંત્રએ ફલક વિસ્તારી ધોંસ વધારી છે, જેના કારણે થોડું વધુ બોનસ ચૂકવાયું છે.