ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત 100થી વધુ નેતાઓ કોરોના પોઝિટીવ
, ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (12:56 IST)
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો આરટી પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની એપોલો હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ઉપરાંત તેમના સૌરાષ્ટ્ર સહિતના અન્ય પ્રાંતના પ્રવાસો, સંસદના સત્રમાં હાજરીથી માંડીને કમલમ પર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથેની મુલાકાતો બધું જ હાલ રદ્દ જાહેર કરાયું છે. ગુજરાત ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પાટીલને કોરોના વોરિયર ગણાવી શુભેચ્છા પાઠવી હતી. હાલ પાટીલ પોઝિટિવ આવ્યા હોવાથી તેઓ લગભગ દસેક દિવસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ રહેશે. ગઇ વખતે સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યા બાદ તેમના સંપર્કમાં આવેલા ભાજપના અનેક નેતાઓ કોરોના પોઝિટીવ થઇ ગયા હતા જેમાં સાંસદ, ધારાસભ્ય અને અન્ય પક્ષના નેતાઓનો સમાવેશ થાય છે. બીજી સપ્ટેમ્બરે કમલમ ખાતે તેમણે પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન સીઆર પાટીલ અંદાજે દસ હજાર લોકોના સંપર્કમાં આવ્યા હતા. ગત ત્રીજે તેમણે અંબાજીમાં દર્શન કર્યા બાદ બનાસકાંઠાના પાલનપુર, ડીસા જેવા સ્થળોએ ફર્યાં તથા પાલનપુરમાં એક ઘરડાંઘરની મુલાકાત પણ કરી. આ દરમિયાન તેમની સાથે મંત્રી દિલિપ ઠાકોર, બનાસકાંઠા અને પાટણના સાંસદ તથા ધારાસભ્યો અને ભાજપના નેતાઓ હતા. કોરોના સંક્રમણના ભયના કારણે સરકારે પાટીલની રેલીઓ રોકવા માટે કેમ પગલાં ન લીધા એવા સવાલ સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા હતા. ચોથી તારીખે પાટણની રાણકીવાવ તથા કાલિકામાતા મંદિર વગેરે સ્થળોની મુલાકાત લીધી ત્યારબાદ મહેસાણામાં ઊંઝા ઉમિયામાતા સંસ્થાનની મુલાકાત લીધી. અહીં તેમની રજત તુલા કરાઇ હતી જ્યારે રબારી સમાજના વાળીનાથ મંદિરની મુલાકાત પણ કરી હતી. મહેસાણા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હતા. મહેસાણા જિલ્લામાં ઠેરઠેર સ્વાગત કાર્યક્રમો, મહેસાણા શહેરમાંમાં કાર્યકર્તાઓની રેલી, પત્રકારો સાથે પરિષદ કર્યા બાદ ત્યાંથી ગાંધીનગર જિલ્લાના કલોલ અને ગાંધીનગર શહેરની મુલાકાત કરી ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પાંચ સપ્ટેમ્બરે હિંમતનગર અને મોડાસામાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું, જાહેર રેલી દ્વારા તેઓએ અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. હિંમતનગરમાં દીવ દમણ અને દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલના ઘરે જઇને તેમના પરિવારની મુલાકાત પણ કરી. 6 સપ્ટેમ્બરે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે થનારા વૃક્ષારોપણના સંકલ્પના કાર્યક્રમમાં હાજરી આપી, અહીં તેમની સાથે સૂરતના સાંસદ દર્શના જરદોષ ઉપરાંત અગાઉ કોરોના પોઝીટીવ આવેલા પૂર્ણેશ મોદી અને નીતિન ભજીયાવાલા હતા. સાતમી તારીખે પણ તેઓ પોતાના સૂરત કાર્યાલય પર રહ્યા અને ઘણાં લોકોને મળ્યા.
આગળનો લેખ