અમદાવાદમાં ઠગાઈના કેસોમાં વધારો થવા માંડ્યો છે. સાયબર ક્રાઈમ હોય કે પછી વાતોમાં ભોળવીને ચોરી કરવાની ઘટના હોય. આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ પોલીસે સોના ચાંદીની દુકાનોમાંથી વેપારીને વાતોમાં રાખીને દાગીના ચોરતી મહિલાઓની ગેંગને ઝડપી પાડી હતી. શહેરમાં આવો જ એક બનાવ પશ્ચિમ વિસ્તારમાં બન્યો છે. રાણિપ વિસ્તારમાં એક મહિલાને યુગલે કહ્યું હતું કે, આ રૂપિયા ભરેલી પોટલી છે તમે ખોલી આપો અમારાથી ખુલતી નથી. મહિલાને વાતોમાં વળગાડીને યુલગ ગણતરીની ક્ષણોમાંજ તેમના દાગીના સેરવીને પલાયન થઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા શારદાબેન પરમાર બંગલામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 17 જૂને તેઓ સવારે દસેક વાગ્યાની આસપાસ અખબારનગર બસ સ્ટેન્ડ પાસે કામ પર જવા માટે ઉભા હતાં. આ દરમિયા એક યુવક યુવતી તેમની પાસે આવ્યાં હતાં. બંનેએ મહિલાને એક કાળા રંગમાં બંધ પોટલી આપીને તેમાં પૈસા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ પોટલી તેમનાથી ખુલતી નહીં હોવાનું કહીને મહિલાને ખોલવા માટે આપી હતી. આ દરમિયાન યુગલે મહિલાને એવું જણાવ્યું હતું કે, અમને તમારા પર વિશ્વાસ નથી. તમે ક્યાંક આ પોટલી લઈને જતા રહો તો? આમ કહીને બંનેએ મહિલાના દાગીના લઈને બંડલ ખોલવા માટે આપ્યું હતું. બાદમાં આ મહિલાએ થોડે દુર જઈને આ બંડલ ખોલ્યું તો તેમાંથી કાગળના પૂંઠા નીકળ્યા હતાં. જે બાદમાં મહિલા તાત્કાલિક બંટી બબલી પાસે પહોંચી હતી. ત્યાં આવીને મહિલાએ જાણ્યું કે યુગલ તો રિક્ષામાં બેસીને પલાયન થઈ ગયું હતું. આ અંગે મહિલાએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે