શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી અને હિન્દી માધ્યમ સ્કૂલોમાં ગુજરાતીના નવા પાઠય પુસ્તકો ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1 અને 2માં ગુજરાતીના નવા પાઠય પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે પુસ્તકો છે 'કલકલિયો' અને 'બુલબુલ'. ગુજરાતી ભાષાના આ બે પુસ્તકો દિવાળી પછી ધો.૧-૨માં ફરજિયાત ભણાવવાના રહેશે.
સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરાતા આ નવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ બોર્ડની સ્કૂલોએ ગુજરાતી ભાષા ભણાવવી પડશે. દરેક રાજ્યમાં ત્યાંની સ્થાનિક ભાષા ફરજિયાતપણે વિદ્યાર્થીએ ભણવાની રહે છે. ગુજરાતમાં ગુજરાતી માતૃભાષા હોવા છતાં દરેક શાળા માટે ફરજિયાત નહોતી. તેના કારણે આ વર્ષથી સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત કરી હતી. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી જ નહોતી. તેના કારણે વિદ્યાર્થીઓ માતૃભાષાથી દૂર થતાં જતા હતા.આ સ્થિતિ નિવારવા પાઠય પુસ્તક મંડળને ગુજરાતી ભાષાના પુસ્તકો તૈયાર કરવાનું કાર્ય સોંપાયું હતું. તેમાંથી કલકલિયો અને બુલબુલ નામક બે પુસ્તક તૈયાર થઈ ગયા છે. બંને પુસ્તકમાં જોડકણાં, ઉખાણાં, કવિતા વગેરે હશે. જે ધો.૧-૨ના વિદ્યાર્થીઓને ભણાવાશે. બંને પુસ્તક તમામ બોર્ડની શાળાઓ માટે ફરજિયાત રહેશે.
આ પુસ્તકમાં ઉખાણા અને કવિતા વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેથી બીજા સત્રથી નવા પાઠય પુસ્તકો ભણાવાશે. પાઠય પુસ્તક મંડળ દ્વારા આગળના ધોરણના પુસ્તકો પણ તૈયાર થઈ રહ્યાં છે. જે ક્રમશઃ અમલમાં મુકાતા જશે તેમ મંડળના સૂત્રો પાસેથી જાણવા મળે છે. ધો.૧-૨માં પાસ-નાપાસ જેવું ન હોય દિવાળી પછી ભણાવવાના હોવા છતાં કોઈ મુશ્કેલી રહેશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે.