ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મજૂરા સુરતના મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થતાં અન્ય કેટલા લોકોને કોરોના થયો હશે તે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી તેમની સાથે જોડાયા હતાં. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ શરૂ થયેલા પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે હતાં. જૂનાગઢથી પ્રવાસ રાજકોટ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન કેશોદ ચોકડી પાસે જાહેરમાં રોડ પર ગરબા રમવામાં આવ્યાં હતાં. જેમાં હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યાં હતાં. કેશોદ ચોકડી પર ગરબે રમતી વખતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ કાર્યકરોને ગરબે રમવા માટે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ગરબે ન રમે તેમને સાસુના સમ આપવામાં આવી રહ્યાં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભારે સવાલો ઉભા થયા હતાં. જાહેરમાં નિયમોના ધજાગરા ઉડ્યાં હતાં. આ નિયમોના ભંગ બદલ ભાજના કોઈ નેતા કે કાર્યકરને દંડ કરવામાં આવ્યો નહોતો. એક જીપ પર નિયમ કરતાં વધુ આઠ આઠ લોકો સવાર હતાં. જાહેરમાં ગરબા અને માસ્ક વગર લોકો જોવા મળ્યાં હતાં. ત્યારે સવાલો લોકોએ ઉઠાવ્યા હતા કે, ભગવાનની યાત્રાઓ અને ઉત્સવો બંધ રહ્યા ત્યારે નેતાઓ આ રીતે કેમ ફરી શકે શું કોરોના ન થાય..આ ડર સાચો પડ્યો હોય તેમ હર્ષ સંઘવીને કોરોના થયો છે.