આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી કઠિન બની રહ્યું છે. એન્ટીઇન્મબન્સીને પગલે ભાજપને સામા પવને ચાલવુ પડી રહ્યું છે. ગૌરવયાત્રાને ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે સાથે સાથે પાખી હાજરીથી ભાજપના નેતાઓ ચિંતાતુર બન્યાં છે જેના પગલે હવે ગુજરાતમાં કેસરિયો માહોલ ઉભો કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાત બોલાવાયા છે.
એટલું જ નહીં,કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતરી પડી છે. ભાજપની ગૌરવયાત્રાને આ વખતે ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીથી માંડીને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને ગૌરવયાત્રામાં લોકમિજાજનો પરચો મળ્યો છે. ભાજપના નેતાઓને જોઇને જ લોકો ભડકે છે તેવુ વાતાવરણ છે જેથી ભાજપે સ્ટ્રેટેજી બદલી છે. કેન્દ્રીય નેતાઓને હવે મેદાને ઉતાર્યા છે. કેન્દ્રીય પ્રકાશ જાવડેકર, રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ, રક્ષામંત્રી નિર્મલા સિતારમન,નાણાં મંત્રી અરૃણ જેટલીએ અમદાવાદની મુલાકાત લીધા બાદ આજે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, સ્મૃતિ ઇરાની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. ગુરૃવારે મંત્રી ઉમા ભારતી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યાં છે. ૧૩મીએ ફાયરબ્રાન્ડ નેતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ પારડી-વલસાડમાં ગૌરવયાત્રામાં હાજરી આપશે.ભાજપે ફરી હિન્દુત્વનો સહારો લેવાની ફરજ પડી છે. યોગી આદિત્યનાથને આગળ ધરીને ગુજરાતમાં હિન્દુત્વના જોરે મતદારોને ભાજપ તરફ ઢોળવા રણનીતિ અજમાવાઇ રહી છે. આ જ દિવસે મંત્રી હંસરાજ આહિર પણ કચ્છમાં ગૌરવયાત્રામાં ઉપસ્થિત રહેશે. ૧૪મી ઓક્ટોબરે યોગી આદિત્યનાથ કચ્છની મુલાકાત લેશે જયારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ બારડોલીમાં ગૌરવયાત્રામાં હાજર રહેશે. આમ, ફિક્કી ગૌરવયાત્રાને જીવંત બનાવવા કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતરી પડી છે. કેન્દ્રીય નેતાઓ હવે ભાજપની જૂથબંધી સિવાયના અન્ય વિવાદાસ્પદ મુદદાઓ પ્રજામાનસપટ પરથી ભૂલાવવા પ્રયાસો કરશે.