ભાજપ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ થયાના બીજા દિવસે પણ મંત્રીઓને ખાતાઓની વહેંચણી નહીં કરાતા ભારે વિવાદ ઉભો થયો છે. એટલું જ નહીં, દર બુધવારે મળતી કેબીનેટની બેઠક પણ મળી નહોતી. એવું જાણવા મળે છે કે, આ વખતે ત્રણેક સિનિયર નવા મંત્રીની એન્ટ્રી થઈ હોવાથી નાણા, ઉદ્યોગ, મહેસુલ અને શહેરી વિકાસ જેવા મહત્વનાં ખાતાની ફાળવણી કોને કરવી તે નક્કી થઈ શકતી નથી. સામાન્ય રીતે જ્યારે પણ નવી સરકારની શપથવિધિ થાય છે ત્યારે તે જ દિવસે સાંજે અથવા તો બીજે દિવસે અચૂક રીતે ખાતાઓની ફાળવણી કરી દેવાતી હોય છે. મંગળવારે શપથવિધિ થયા બાદ સરકારના સૂત્રોએ એવું કહ્યું હતું કે જો મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશ શપથવિધિ સમારોહમાં નહીં જાય તો કદાચ કેબીનેટ બોલાવાશે. તેમજ ખાતાની વહેંચણી અંગેની બાબત ચાલી રહી છે. દરમિયાનમાં બુધવારે જાણવા મળ્યું કે મુખ્યમંત્રી હિમાચલ ગયા જ નહોતા. આથી એવી અપેક્ષા રખાતી હતી કે, સાંજ સુધીમાં અથવા તો મોડી રાત્રે કેબીનેટ બોલાવાશે અને ખાતાઓની ફાળવણી કરી દેવાશે. પરંતુ સરકાર દ્વારા કેબીનેટ પણ બોલાવાઈ નહોતી અને ખાતાઓની ફાળવણી પણ કરાઈ નહોતી.
કેબીનેટની બેઠક ન મળે તો પણ ખાતાઓની ફાળવણી કરી શકાય છે. ફાળવણી નહીં થવા અંગે સૂત્રો જણાવે છે કે, આ મંત્રીમંડળમાં કૌશિક પટેલ, આર.સી. ફળદુ તથા સૌરભ પટેલ જેવા જૂના જોગીઓ અને સિનિયરો આવ્યા છે. જેને કારણે પણ મુખ્યમંત્રી માટે ખાતાઓની ફાળવણીનો પ્રશ્ન માથાનો દુખાવો બની ગયો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પાસે તેના મોભાને અનુરૃપ ખાતાઓ રખાતા હોય છે. જેમાં નાણા, ઉદ્યોગ, શહેરી વિકાસ, ખાણ ખનીજ, ગૃહ, માર્ગ અને મકાન, નર્મદા કલ્પસર, પેટ્રોકેમિકલ્સ, સામાન્ય વહીવટ વગેરેનો સમાવેશ થાય છે. હવે નવા ત્રણ સિનિયરોને જો આમાંથી મહત્વનાં ખાતા આપવામાં આવે તો પણ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી પાસે મહત્ત્વનાં ઓછા ખાતા બચે. ઉપરાંત, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ અને મહેસુલનું ખાતુ ગત કેબીનેટમાં અપાયું હતું. આ વખતે માજીમંત્રી કૌશિક પટેલને પણ મહેસુલનો ખાસ્સો અનુભવ હોઈ, આપવાની વિચારણા થઈ રહી છે. આ બન્ને નેતાઓ સૌરભ પટેલ અને આર.સી. ફળદુને ક્યાં ખાતા ફાળવવા તે નક્કી કરી શકાતું નથી. એક બાજુ રાજ્યના ૧૨ જિલ્લાઓને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ જ નથી અપાયું તો બીજી બાજુ બાબુ બોખીરીયા સહિતના ત્રણ મંત્રીઓને પડતા મુકાતા પણ અસંતોષ ઉભો થયો છે. હવે જો ખાતાઓની ફાળવણીમાં પણ અસંતોષ ઉભો થાય તો ભાજપ સરકારને 'આંતરીક પડકારો'નો સામનો કરવાનો વખત આવે. ગત સરકારની કેબીનેટમાં ૯ મંત્રી હતા આ વખતે તે સંખ્યા વધીને ૧૦ની થઈ છે. હવે હાઈકમાન્ડ ખાતા ફાળવણી અંગે શું રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે. આવતીકાલે ગુરૃવારે ખાતાની ફાળવણી થશે કે કેમ તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.