નોટીસમાં 15 દિવસમાં 11 કરોડ રૂપિયાનું બદનક્ષી બદલ વળતર ચૂકવવા કહેવાયું
રાજકોટ, 8 ફેબ્રુઆરી 2023 બુધવાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કેસમાં હવે નવો ખુલાસો સામે આવ્યો છે. એચ.એન શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ 6 કરોડ અને કુલસચિવ સમક્ષ 5 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો છે. નેહલ શુક્લ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં 15 દિવસમાં બદનક્ષી બદલ વળતર ચૂકવવા કહેવાયું છે. સાથે આ નોટિસમાં જાહેર માધ્યમોમાં માફી માંગવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ મામલે કુલપતિ ભીમાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે કાયદાકીય પ્રક્રિયા કરીશું. નોટિસનો હાલમાં અભ્યાસ ચાલુ છે. આગામી દિવસોમાં નોટિસનો અમે જવાબ આપીશું.
ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લની કોલેજની ભૂમિકા બહાર આવી
12 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBAઅને B.COMનું પેપર ફૂટ્યું હતું. આ પેપરલીક કેસને લઈને થોડા દિવસ અગાઉ યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. 1 ફેબ્રુઆરીએ રાત્રે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે એચ.એન.શુક્લ કોલેજના કર્મચારી એવા પેપર રિસીવર જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. પેપર ફોડવામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ હતી.
નેહલ શુકલે કુલપતિ સામે આક્ષેપો કર્યાં
આ મામલે નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પૂર્વ કુલપતિ પછીના સત્તાધીશોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિસ્ટમને ખોખલી કરી દીધી છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ગિરીશ ભીમાણીએ આંકડાશાસ્ત્ર ભવનમાં રિસીવિંગ સેન્ટર રાખ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય ત્રણ પરીક્ષાઓ લેવામાં આવી નથી અને હવે ત્રણ પરીક્ષાઓ લેવાય છે જે વિદ્યાર્થીઓના હિતમાં પણ નથી.