સાંસદ હરીભાઇ ચૌધરીએ ખાડો ખોદી ખાતમુહૂર્ત કર્યુ ત્યાં તલાવડી માત્ર કાગળ પર બની
, મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:15 IST)
કેન્દ્રિય મંત્રી હરિભાઇ ચૌધરીએ જળ સંચય માટે તલાવડી ઉંડી કરવા માટે પાવડાથી ખાડો ખોદી ખાત મૂર્હૂત કર્યુ હતુ. તે ખાદો આજે પણ એમનો એમ છે. આ સ્થળે તલાવડી બની જ નથી. બનાસકાંઠા જિલ્લામાં આવી રીતે અનેક સ્થળે તળાવો ઉંડા કરવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જોકે, બીજી તરફ તંત્રના અધિકારીઓ આ યોજનાના કામો સંસ્થાઓ મારફતે કરવાના હોવાનો લુલો બચાવ કરી શંકાના દાયરામાં આવી રહ્યા છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા જળ સંચય ઉપર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં ભૂર્ગભ જળ ઉંડા જતા હોવાના કારણે ચોમાસામાં પાણીની સંગ્રહ કરવા માટે ચોમાસા અગાઉ સિંચાઇ વિભાગ દ્દારા ગામેગામ તળાવો ઉંડા કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જ્યાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદોના હસ્તે આવા તળાવો ઉંડા કરવા માટે ખાત મૂર્હૂતોના તાયફાઓ કરવામાં આવ્યા હતા. જોકે તે પછી કેટલાક સ્થળોએ તળાવો ઉંડા કરવામાં આવ્યા જ નથી. અને કાગળ ઉપર કામગીરી બતાવી કોન્ટ્રાકટરો અને અધિકારીઓએ મિલીભગત આચરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.
વડગામ તાલુકામાં મુક્તેશ્વર સિંચાઈ યોજના દ્વારા 15 જેટલા તળાવો ઊંડા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે મગરવાડા ગામમાં તળાવ ઉંડુ કરવા માટે ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતુ. જોકે નવાઇની વાત એ છે કે, તેમણે જે સ્થળે પાવડા વડે ખાડો કર્યો હતો. ત્યાં કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અત્યારે પણ આ ખાડો જેમનો તેમ દેખાઇ રહ્યો છે. શુ કાગળ ઉપર આ તળાવ ઉંડુ થઇ ગયું હશે અને તેની ગ્રાંટની રકમ પણ ચૂકવાઇ ગઇ હશે ? તેવા પ્રશ્નો ઉદ્દભવવા પામ્યા છે.
આગળનો લેખ