ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ સાથે ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.
વાવમાં વિધાનસભા પેટાચૂંટણી : પાંચ વાગ્યા સુધી 67% થી વધારે મતદાન થયું
વાવમાં બનાસકાંઠાનાં કૉંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે મતદાન કર્યું હતું. તેઓ વાવનાં ધારાસભ્ય હતાં પરંતુ લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
મતદાન દરમ્યાન વાવમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, "લોકોએ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને કમળ ખીલશે."
તેમણે કહ્યું કે, "અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાને કારણે અહીં જોઈએ એવો વિકાસ થયો નથી, સ્વાભાવિક છે કે જેમની સરકાર હોય તેમના કામ થતા હોય છે અને વિકાસ તરફ આગળ વધતા હોય છે."
બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે "ચૂંટણીમેદાનમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પણ છે પરંતુ તેમને મુકાબલો મુશ્કેલ નથી લાગી રહ્યો અને કૉંગ્રેસ એકતરફી જીતશે."
તેમણે કહ્યું કે, "લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને લાગે છે કે આ ઉત્સાહ કૉંગ્રેસ પાર્ટી માટે છે. આ ઠાકોરની વધુ વસતી ધરાવતો પટ્ટો છે અને એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજના 50 ટકાથી વધારે મતદારો કૉંગ્રેસને મત આપી રહ્યા છે. ચૌધરી સમાજ ભાજપની મૂળ વોટબૅન્ક છે એ અપક્ષ સાથે છે."
તેમણે કહ્યું કે ભાજપની વોટ બૅન્ક છે એ કૉંગ્રેસ સાથે અથવા અપક્ષ સાથે છે અને તેનાથી કૉંગ્રેસને ફાયદો થશે.
વાવ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
ગુજરાતની વાવ વિધાનસભાથી 2022માં ચૂંટાયેલ ગેનીબહેન ઠાકોર હવે લોકસભાનાં સાંસદ બની ગયાં હોવાથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
કૉંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત તથા ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.
પરંતુ ભાજપના પૂર્વ નેતા માવજી પટેલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝુકાવતાં આ જંગ ત્રિપાંખિયો બન્યો છે.
કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે તથા 2022માં તેઓ એ જ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેઓ હવે વાવથી પેટાચૂંટણી લડી રહ્યા છે.
વાવની બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ મનાતી રહી છે. અહીં 2007 અને 2012 સિવાય ભાજપના ઉમેદવાર જીતી શક્યા નથી.
આ વિસ્તારમાં ભાજપના નેતા શંકર ચૌધરી તથા કૉંગ્રેસનાં નેતા ગેનીબહેન ઠાકોરનો જબરદસ્ત પ્રભાવ હોવાથી પણ આ ચૂંટણીજંગ રોચક બન્યો છે.